Connect Gujarat
Featured

ભરૂચ : નર્મદાના પુરના પાણી અંકલેશ્વર શહેરમાં પ્રવેશ્યાં, જુના દીવાના 500 લોકોનું સ્થળાંતર

ભરૂચ : નર્મદાના પુરના પાણી અંકલેશ્વર શહેરમાં પ્રવેશ્યાં, જુના દીવાના 500 લોકોનું સ્થળાંતર
X

નર્મદા નદીના બદલાયેલા વહેણની અસર હાલ નદીમાં આવેલાં પુર દરમિયાન જોવા મળી રહી છે. નદીની સપાટી 34 ફુટને પાર કરી જતાં પાણી અંકલેશ્વર શહેર સુધી આવી ગયાં છે. જુના દીવા રોડ પર આવેલી સોસાયટીઓમાં અત્યારે પુરના પાણીની હાજરી વર્તાઇ રહી હોવાથી લોકોના જીવ તાળવે ચોટી ગયાં છે.

નર્મદા નદીના વહેણમાં કેટલાય વર્ષોથી બદલાવ આવી ગયો છે. નર્મદા નદી ભરૂચનો કિનારો છોડી અંકલેશ્વર તરફ વહી રહી છે. હાલ નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલાં પાણીના પગલે પુરની અસર અંકલેશ્વરમાં વધારે જોવા મળી રહી છે. ત્રણ દિવસથી ઠલવાય રહેલાં લાખો કયુસેક પાણીના પગલે ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 34 ફુટને પાર કરી ગઇ છે. નર્મદા નદીના પાણી હવે અંકલેશ્વર શહેર સુધી પહોંચી ગયાં છે. મંગળવારે સવારના સમયે પુરના પાણી જુના દીવા રોડ પર આવેલી જલારામનગર, શિવદર્શન સહિતની અનેક સોસાયટીમાં ફરી વળ્યાં હતાં. આ ઉપરાંત જુના દીવા અને જુની દીવી ગામ પણ જળબંબાકાર બની ગયાં છે. જુના દીવા ગામની ચારે તરફ પુરના પાણી ફરી વળ્યાં છે. ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણી આવી જતાં 500થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા નદીના પુરના પાણી નદીની આસપાસના પાંચ કીમીથી વધારે વિસ્તારમાં ફરી વળ્યાં છે. ખાસ કરીને અંકલેશ્વર તરફના કાંઠે જયાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહયું છે.

-

Next Story