Connect Gujarat
Featured

ભરૂચ : ચાંચવેલ પાસે ઓએનજીસીની લાઇનમાં પંકચર પાડી ક્રુડ ઓઇલની ચોરીનું કૌભાંડ

ભરૂચ : ચાંચવેલ પાસે ઓએનજીસીની લાઇનમાં પંકચર પાડી ક્રુડ ઓઇલની ચોરીનું કૌભાંડ
X

ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપે વાગરા તાલુકાના ચાંચવેલ ગામ નજીક ઓએનજીસીની પાઇપલાઇનમાં પંકચર પાડી ક્રુડ ઓઇલની ચોરી કરતાં એક આરોપીને ઝડપી પાડયો છે જયારે ફરાર થઇ ગયેલાં બે આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં ઓએનજીસીના અનેક તેલક્ષેત્રો આવેલાં છે. જેમાથી નીકળતાં ક્રુડ ઓઇલનું પાઇપલાઇન મારફતે વહન કરવામાં આવે છે. વાગરા તાલુકાના ચાંચવેલ ગામ નજીકથી ઓએનજીસી કંપનીની હાઇ પ્રેસર પાઇપલાઇન પસાર થાય છે. આ પાઇપલાઇન સાત મિનિટમાં 22 હજાર લીટર કરતાં વધારે ક્રુડ ઓઇલનું વહન કરવાની ક્ષમતા ધરાવે છે. આ હાઇપ્રેસર લાઇનની ઉપર ખોદો ખોડી લાઇનમાં પંકચર પાડી વાલ્વ બેસાડી ક્રુડ ઓઇલની ચોરી કરવામાં આવે છે. ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે બાતમીના આધારે ચાંચવેલ ગામ નજીક દરોડા પાડી ઓઇલ ચોરી કરી રહેલાં અને આછોદના રહેવાસી ઇમ્તિયાઝ અહેમદ ઉર્ફે દેડકાને ઝડપી પાડયો હતો. તેની પુછપરછમાં આછોદના ઇકબાલ નિઝામ પઠાણ અને વડોદરાના ભાયલીના વિજય ઉર્ફે મુન્નો ગણપત ગોહિલની સંડોવણી હોવાની કબુલાત કરતાં બંનેને વોન્ટેડ જાહેર કરાયાં છે.

પોલીસના જણાવ્યા અનુસાર વિજય ઉર્ફે મુન્નો અને ઇમ્તિયાઝ અહેમદ ઉર્ફે દેડકો ગુનાહિત ભુતકાળ ધરાવે છે અને અગાઉ પર ઓઇલ ચોરી સહિતના ગુનામાં ઝડપાય ચુકયાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષો પહેલાં ઓએનજીસી કંપનીમાંથી આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ક્રુડ ઓઇલની ચોરી દરમિયાન વિસ્ફોટ થયો હતો અને પાઇપલાઇનમાં આગ લાગી હતી જેને બુઝાવવામાં ઘણો સમય લાગી ગયો હતો. હાલમાં ઝડપાયેલાં આરોપીએ જણાવ્યું હતું કે, ઓઇલ ચોરી કરતાં પહેલાં તેઓ પાઇપલાઇનની રેકી કરતાં હતાં અને અવાવરૂ સ્થળે લાઇનમાં પંકચર પાડી તેના પર વાલ્વ બેસાડી દેતા હતાં. આ કામગીરીમાં એસઓજીના પીઆઇ કે.ડી.મંડોરા, પીએસઆઇ એન.જે.ટાપરીયા અને એમ.આર.શકોરીયા તથા તેમના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી આખું કૌભાંડ ઝડપી પાડયું છે.

Next Story