Connect Gujarat
Featured

ભરૂચ : ઇકો કારના સાયલન્સર ચોરી જતી ટોળકીને ઝડપી પાડતી દહેજ પોલીસ

ભરૂચ : ઇકો કારના સાયલન્સર ચોરી જતી ટોળકીને ઝડપી પાડતી દહેજ પોલીસ
X

ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વાહનોની સાથે ઇકો કારના સાયલન્સરની ચોરી થતી હોવાના બનાવો સામે આવ્યાં હતાં. દહેજ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી સાયલન્સર ચોરી કરતાં હરિયાણાના બે યુવાનોને ઝડપી પાડયાં છે.

ભરૂચ જિલ્લામાં ઇકો કારના સાયલન્સરની ચોરીના બનાવો વધી જતાં એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ તમામ પોલીસ સ્ટેશનોને આરોપીઓને ઝડપી પાડવા આદેશ કર્યો હતો. દરમિયાન દહેજ પોલીસની ટીમ આરોપીઓનું પગેરૂ દબાવવા કામે લાગી હતી. દહેજ પોલીસને બાતમી મળી હતી કે હરિયાણા પાર્સિંગની સ્વીફટ કારમાં બે યુવાનો સાયલન્સર લઇને ફરી રહયાં છે. પોલીસે જીએસીએલ ચોકડી પાસે વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં પસાર થતી સ્વીફટ કારને રોકી તલાશી લીધી હતી. કારમાંથી 6 જેટલા સાયલન્સર મળી આવ્યાં હતાં.

પોલીસે કારમાં સવાર હરિયાણાના રહેવાસી અરશદ મુબીન એહમદ અને શહનબાઝ રૂકમુદીન ખાનની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી. જેમાં બંને યુવાનોએ સાયલન્સર ચોરીના હોવાની કબુલાત કરી હતી. આરોપી કારના સાયલન્સરની ચોરી કરી તેમાં રહેલી ખાસ પ્રકારની માટીનું વેચાણ કરતાં હોવાની વિગતો સામે આવી છે. આ માટીની કિમંત એક કીલોના 10 હજાર રૂપિયા જેટલી છે. પોલીસે 3 લાખ રૂપિયાની કિમંતના સાયલન્સર તેમજ કાર મળી કુલ 7 લાખ રૂપિયાનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story