Connect Gujarat
Featured

ભરૂચ : હવે વીજકર્મીઓ આમળશે સરકારનો કાન, પડતર માંગણીઓ સંદર્ભે ઉગામ્યું હડતાળનું શસ્ત્ર

ભરૂચ : હવે વીજકર્મીઓ આમળશે સરકારનો કાન, પડતર માંગણીઓ સંદર્ભે ઉગામ્યું હડતાળનું શસ્ત્ર
X

ગુજરાતમાં એક પછી એક સરકારી કર્મચારીઓ હડતાળનો માર્ગ અપનાવી રહયાં છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ બાદ હવે ઉર્જા વિભાગના તમામ કર્મચારીઓએ પડતર માંગણીઓના સંદર્ભમાં હડતાળ પર ઉતરી જવાનો નિર્ણય લીધો છે. શનિવારના રોજ વીજકંપનીના કર્મચારીઓએ હડતાળ પર ઉતરી કચેરીના પટાંગણમાં નારેબાજી કરી હતી.

રાજયના ઉર્જા વિભાગના તમામ યુનિયનો દ્વારા એક મંચ પર આવી પડતર માંગણીઓ સંદર્ભમાં લડતના મંડાણ કરવામાં આવ્યાં છે. શનિવારના રોજ વીજ કંપનીના વિવિધ કર્મચારીઓ યુનિયનો તરફથી હડતાળનું એલાન આપવામાં આવ્યું હતું. કર્મચારીઓ સાતમા પગાર પંચના મંજુર થયેલા આનુસંગિક લાભો મળવા સહિત પડતર પ્રશ્નો અને અન્ય લાભોની માંગણી કરી રહયાં છે. છેલ્લા ઘણા વર્ષોથી સરકારમાં તથા વીજકંપનીના મેનેજમેન્ટમાં રજુઆત કરવા છતાં આજદિન સુધી કોઇ પગલાં ભરવામાં આવ્યાં નથી. પોતાની પડતર માંગણીઓ સંદર્ભમાં વીજકર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉપરાંત તા. 16થી 20 જાન્યુઆરી સુધી તમામ વીજ કર્મચારીઓ માસ સીએલ ઉપર પણ ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી હતી. ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલી વીજકંપનીની કચેરીની બહાર વીજકર્મચારીઓએ સુત્રોચ્ચાર કર્યા હતાં. રાજયના અન્ય શહેરોમાં પણ વીજકર્મચારીઓ હડતાળમાં જોડાયાં હતાં. જો સરકાર પડતર માંગણીઓ સંદર્ભમાં કોઇ કાર્યવાહી નહિ કરે તો અચોકકસ મુદતની હડતાળની ચીમકી આપવામાં આવી છે.

Next Story