Connect Gujarat
Featured

ભરૂચ : 15 દિવસમાં ત્રણ સ્થળોએથી PPE કીટ રઝળતી મળી, વાયરસના સંક્રમણનો ભય

ભરૂચ : 15 દિવસમાં ત્રણ સ્થળોએથી PPE કીટ રઝળતી મળી, વાયરસના સંક્રમણનો ભય
X

કોરોના વાયરસના દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતી પીપીઇ કીટ બિનવારસી હાલતમાં જાહેરમાં નાંખી દેવાતી હોવાથી કોરોના વાયરસના સંક્રમણનો ભય વધ્યો છે. ભરૂચ શહેર તથા જિલ્લામાંથી છેલ્લા 15 દિવસમાં ત્રણ સ્થળોએથી પીપીઇ કીટ બિન વારસી હાલતમાં મળી આવી છે.

કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરતાં આરોગ્ય કર્મચારીઓ પોતાને ચેપ ન લાગે તે માટે પીપીઇ કીટ પહેરતાં હોય છે. પીપીઇ કીટના ઉપયોગ બાદ તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો હોય છે પણ ભરૂચમાં પીપીઇ કીટ રઝળતી મળી આવવાના કિસ્સાઓ બન્યાં છે.

કંથારીયા ગામ પાસે આવેલાં જીન્નત બંગલોઝ પાસે અવાવરૂ જગ્યામાં પીપીઇ કીટ નાંખી કોઇ વ્યકતિ ફરાર થઇ ગયો હતો. જાહેરમાં પડેલી પીપીઇ કીટનો વિડીયો વાયરલ થતાં લોકોમાં ભય ફેલાયો હતો. આખરે ગામના આગેવાનોએ ભેગા મળી સલામત રીતે પીપીઇ કીટને સળગાવી દઇ તેનો નિકાલ કરી દીધો હતો.

હવે બીજા કિસ્સા પર નજર નાંખીએ…અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તી તળાવ પાસે મુકવામાં આવેલી કચરાપેટીમાં કોઈક એ પીપીઇ કીટ નાખી દેતા સ્થાનિક રહીશોમાં ભય ફેલાયો હતો. કોઇ અઘટીત ઘટના બને તે પહેલાં નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી. પાલિકાની ટીમે દોડી આવી કચરાપેટીમાંથી પીપીઇ કીટને બહાર કાઢી તેનો યોગ્ય રીતે નિકાલ કરવાની કામગીરી કરી હતી.

ઉપરોકત બંને ઘટનાઓ જુલાઇ મહિનામાં બની હતી. હવે તમે આજે શનિવારના રોજ બનેલી ઘટનાથી અવગત કરાવી રહયાં છીએ. ભરૂચ શહેરના હાર્દસમા પટેલ સુપર માર્કેટ પાસે આવેલી કચરાપેટી પાસે પીપીઇ કીટ રઝળતી હાલતમાં જોવા મળતાં દુકાનદારો તથા ગ્રાહકોના જીવ તાળવે ચોટી ગયાં હતાં. તેમણે સંલ્ગન અધિકારીઓને આ બાબતે જાણ કરી હતી.

કોરોનાના કારણે નીકળનાર બાયો મેડિકલ વેસ્ટના ડિસ્પોઝ કરવાની કાર્યવાહી અત્યંત જોખમી છે. કોવિડ-19ની સારવાર, ડાયગ્નોસિસ અને ક્વોરોન્ટાઇન દરમિયાન ઘણા પ્રકારની સર્જીકલ વસ્તુઓનો ઉપયોગ થાય છે.પીપીઇ કીટ, માસ્ક, ગલવ્ઝ, કેપ, દર્દી દ્વારા ઉપયોગમાં લેવાયેલી સામગ્રી તેમજ સારવારમાં વપરાયેલી તમામ ચીજ-વસ્તુઓ કોરોના વેસ્ટ ગણવામાં આવે છે. આ વેસ્ટના સીધા સંપર્કમાં આવવાથી સરળતાથી સંક્રમણ ફેલાઇ શકે છે. આ વેસ્ટનો સરકારની ગાઇડલાઇન મુજબ વૈજ્ઞાનિક ઢબથી નિકાલ કરવાનો હોય છે.

Next Story