ભરૂચ : અશાંતધારાનો ભંગ થતાં લોકોમાં આક્રોશ, પોલીસ સ્ટેશનમાં મચાવ્યો હોબાળો

0
National Safety Day 2021

કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતાં ભરૂચ શહેરના 48 જેટલા વિસ્તારોમાં અશાંતધારો અમલમાં મુકવામાં આવ્યો છે. અશાંતધારો લાગુ પડતાં એક કોમના લોકો અન્ય કોમના લોકોને મિલકતો વેચી શકતાં નથી અને મિલકતો વેચવી હોય તો કલેકટરની મંજુરી લેવી ફરજિયાત છે. શહેરના બહાદુર બુરજ અને કંસારવાડ વિસ્તારમાં અન્ય કોમના લોકોને મિલકતો વેચવાની પેરવી શરૂ થતાં સ્થાનિકોએ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો.

જુના ભરૂચ સહિત કેટલાય વિસ્તારોમાં અશાંત ધારા લાગુ કરાયો છે પરંતુ તેનો અમલ થતો નથી તેવા આક્ષેપ સાથે જુના ભરૂચના લોકોએ વારંવાર જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છતાં પણ કોઈ જ પરિણામ ન મળતા મકાન વેચવાનો સિલસિલો યથાવત રહયો છે. અશાંતધારાનો અમલ માત્ર કાગળ પર રહી જતાં લોકોમાં રોષ ફેલાયો છે. બહાદુરબુરજ અને કંસારવાડમાં મકાનો વેચવાની પેરવી થતાંની સાથે સ્થાનિક રહીશો એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયાં હતાં. અને 48 કલાકમાં તંત્ર દ્વારા કોઇ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે, ભરૂચ શહેરમાં પાંચ વર્ષ માટે કેટલાક વિસ્તારોમાં અશાંત ધારા લાગુ કરાયો છે. કોઈ પણ વિસ્તારમાં અન્ય ધર્મના લોકોએ મકાન ખરીદવું હોય તો તે અંગેની પરવાનગી જિલ્લા મેજીસ્ટ્રેટની લેવાની હોય છે પરંતુ આવી કોઈ પરવાનગી લીધા વિના જ મોટી સંખ્યામાં મકાનોનું વેચાણ થતા વિવાદ ઉભો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here