ભરૂચ: શિક્ષણ વિભાગના પરિપત્ર સામે વાલીઓનો વિરોધ, જુઓ સરકારના કયા નિર્ણયથી વાલીઓમાં રોષ

ગુજરાત સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગે આર.ટી.ઇ. એક્ટમાં શાળા પ્રવેશ માટે સુધારો કરી હવે પહેલી જૂને જે બાળકના છ વર્ષ પૂર્ણ થતાં હોય તેવા બાળકને જ શાળામાં પ્રવેશ મળશે તેવો પરિપત્ર જારી કરતા ભરૂચના વાલીઓએ વિરોધ નોધાવી જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
તાજેતરમાં સરકારે શૈક્ષણિક નીતિમાં ફેરફાર કર્યા છે. જેમાં જે તે શૈક્ષણિક વર્ષમા બાળકના પહેલી જૂને છ વર્ષ પૂર્ણ થતાં હશે તેમને જ પહેલા ધોરણમાં પ્રવેશ મળશે અને શૈક્ષણિક વર્ષમાં બાળકના છ વર્ષ પૂર્ણ થાય તે રીતે પૂર્વ પ્રાથમિક વિભાગમાં પણ પ્રવેશ આપવા માટેની ગાઈડ લાઈન આપી છે. સાથે જે બાળકની ઉંમર પહેલી જૂને છ વર્ષ પૂર્ણ ન થતી હોય તેવા બાળકને પૂર્વ પ્રાથમિકમાં જ પ્રવેશ લઈ અભ્યાસ પૂર્ણ કરવો પડશે.
સરકારના આ નિર્ણયના ઘેરા પ્રત્યાઘાતો ઉભા થયા છે. અનેક સ્થળો પર વાલીઓ સરકારના આ સુધારા સામે વિરોધ ઉઠાવી રહ્યા છે. ભરૂચમાં પણ વાલીઓએ સુધારા સામે વિરોધ ઉઠાવી જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન આપ્યું હતું. જેમાં સરકારના નવા સુધારથી અનેક બાળકોનું એક વર્ષ બગડવાનો દાવો કરી સુધારો રદ કરવાની માંગ ઉઠાવવામાં આવી વાલીઓના જણાવ્યા અનુસાર સરકારના પરિપત્રને લઈ શાળાઓમાં બાળકોને પ્રવેશ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. જે બાળકના પહેલી જૂને 6 વર્ષ પૂર્ણ ન થતા હોય તેમને પ્રાથમિકમાં પ્રવેશ અપાતો નથી જે અન્યાય છે. જે બાળકને પહેલી જૂને છ વર્ષ પૂર્ણ થવામાં એક કે બે મહિના ઓછા હોય તેવા બાળકોનું એક વર્ષ વેડફાશે. આવા બાળકોના હિતમાં સરકારે ફેરવિચારણા કરી સુધારો રદ કરવો જોઈએ.