Connect Gujarat
Featured

ભરૂચ : રાજપુત સમાજના નેતાઓને તોફાનોમાં ખોટા દોષિત ઠેરવ્યાં હોવાની રજુઆત

ભરૂચ : રાજપુત સમાજના નેતાઓને તોફાનોમાં ખોટા દોષિત ઠેરવ્યાં હોવાની રજુઆત
X

રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા પોલીસ ગોળીબાર અને હિંસાની ઘટનામાં રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના અધ્યક્ષ સહિત રાજપુત સમાજના 24 આગેવાનો સામે કરવામાં આવેલાં કેસો પાછા ખેંચવાની માંગ સાથે ભરૂચમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

રાજસ્થાનમાં આનંદ પાલના એન્કાઉન્ટરની સીબીઆઇ માંગણીને લઇ સાંવરાદમાં એકત્ર થયેલાં રાજપુત સમાજના લોકો પર પોલીસે ગોળીબાર કર્યો હતો. જેમાં રાજપુત સમાજના બે લોકોના મૃત્યુ થયાં હતાં. ભાજપ સરકારે સીબીઆઇનો દુરઉપયોગ કરીને રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી સહિત 24 આગેવાનોને તોફાનો માટે દોષિત ઠેરવી દીધાં છે તેવો આક્ષેપ આવેદનપત્રમાં કરાયો છે. આ ઉપરાંત આવેદનપત્રમાં જણાવાયું છે કે, આનંદ પાલના એન્કાઉન્ટરની સીબીઆઇ તપાસની માંગ સાથે લોકો શાંતિપુર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહયાં હતાં પણ પોલીસે સરકારના દબાણમાં આવી વિરોધ પ્રદર્શન કરી રહેલાં લોકો પર ગોળીબાર કર્યો હતો અને સમગ્ર ઘટના માટે રાજપુત સમાજના 24 આગેવાનોને જવાબદાર ઠેરવી દેવાયાં છે. સમાજના આગેવાનો સામે કરાયેલા કેસો પાછા ખેંચવાની માંગ કરવામાં આવી છે. ભરૂચ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપતી વેળા રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના દક્ષિણ ગુજરાતના મહામંત્રી જીતેન્દ્રસિંહ રાજાવત, ભરૂચ જિલ્લા અધ્યક્ષ ધ્રુવરાજસિંહ સિંધા, યુવા જિલ્લા અધ્યક્ષ શકિતસિંહ જાડોન અને ધીરજસિંહ જાડોન અને જિલ્લા સંગઠન મંત્રી મનિષસિંહ જાદવ હાજર રહયાં હતાં.

Next Story