Connect Gujarat
Featured

ભરૂચ : નવી વસાહત નજીક બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરાયું, અનેક વાહનચાલકો હતા “પરેશાન”

ભરૂચ : નવી વસાહત નજીક બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરાયું, અનેક વાહનચાલકો હતા “પરેશાન”
X

ચોમાસાને સમય વિત્યો છતા ભરૂચ શહેરના અનેક રસ્તાઓની મરામત કરવામાં નગરપાલિકા વામણી પુરવાર થઈ છે, ત્યારે શહેરના નવી વસાહતથી રેલ્વે સ્ટેશન રોડને જોડતા બિસ્માર માર્ગ અંગે કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલમાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જે બાદ નગરપાલિકા દ્વારા બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.

ભરૂચ નગરપાલિકાના હદ વિસ્તારમાં તાજેતરમાં વરસેલા મુશળધાર વરસાદના કારણે કેટલાય વિસ્તારોના માર્ગ બિસ્માર બની ગયા છે. જેના કારણે અનેક વાહનચાલકોની હાલત કફોડી બની છે. બિસ્માર માર્ગનું મરામત કરાવવા માટે કરોડો રૂપિયાની ફાળવણી થઈ હોવા છતાં પણ કેટલાય વિસ્તારોમાં પેચિંગ કરવામાં આવ્યું નથી. તેવામાં ભરૂચ સિવિલ હોસ્પિટલ નજીક હિતેશ નગરથી ફલશ્રુતિનગર તરફ જવાના માર્ગ ઉપર નવી વસાહત નજીકનો મુખ્ય માર્ગ વાહનચાલકો માટે જીવલેણ બન્યો છે.

આ માર્ગ ઉપર 2 ફૂટ ઉંડા ખાડાઓ પડ્યા હોવાથી આસપાસની ડ્રેનેજ લાઇનનું પાણી પણ ભરાઈ રહેતું હતું. ઉપરાંત અહી મોડી રાત્રે અંધારપટમાં કેટલાય વાહનચાલકોને ખાડાઓ નહીં દેખાતા અકસ્માતનો ભોગ પણ બની રહ્યા હતા, ત્યારે બિસ્માર માર્ગનું સમારકામ કરવામાં ભરૂચ નગરપાલિકાને કોઈ રસ ન હોય તેવા આક્ષેપો પણ વાહનચાલકોએ કર્યા હતા. જે અંગે ગત તા. 19મી નવેમ્બરના રોજ કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલમાં ભરૂચ નગરપાલિકાની પોલ બહાર પાડતો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જોકે તેના બીજા જ દિવસે પાલિકા દ્વારા અહીના બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે હવે જોવું રહ્યું કે, શહેરના અન્ય બિસ્માર માર્ગનું પણ વહેલી તકે સમારકામ થશે કે, પછી ફરી એકવાર કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલમાં પ્રસિદ્ધ થતાં અહેવાલોની પાલિકા તંત્ર રાહ જોઈને બેઠું છે.

Next Story