Connect Gujarat
Featured

ભરૂચ : સાયખા GIDCની કંપનીમાં લાગી ભીષણ આગ, 7 કિ.મી. દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા

ભરૂચ : સાયખા GIDCની કંપનીમાં લાગી ભીષણ આગ, 7 કિ.મી. દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા
X

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી સાયખા ઔદ્યોગિક વસાહતની જય કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, ત્યારે આગના પગલે કંપનીના કર્મચારીઓ અને કામદારોમાં ભારે નાસભાગ મચી હતી.

મળતી માહિતી અનુસાર, વાગરા તાલુકાના સાયખા ગામ નજીક આવેલી ઔદ્યોગિક વસાહત સ્થિત જય કેમિકલ કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠવાની ઘટના સર્જાઈ હતી. આગ લાગવાના બનાવને પગલે કંપનીના કર્મચારીઓ અને કામદારોમાં ભારે નાસભાગ મચી હતી. આગ એટલી ભયંકર હતી કે, લગભગ 7 કિલોમીટર દૂર આવેલ વાગરા ગામ સુધી પણ આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

સમગ્ર બનાવની જાણ નજીકમાં આવેલી ખાનગી કંપનીઓના ફાયર વિભાગને થતાં તાત્કાલિક 2 ફાયર ટેન્ડર દોડી આવી જય કેમિકલ કંપનીમાં ફાટી નીકળેલી ભીષણ આગ ઉપર સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરાઇ હતી. ત્યાર બાદ ભરૂચ નગરપાલિકા તેમજ દહેજ GIDCના ફાયર ફાઇટરો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલ તો કંપનીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ કંપનીની લાપરવાહીના કારણે મોટું આર્થિક નુકશાન થયું હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Next Story