Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ રાજકીય આગેવાનો શિક્ષકોને હેરાન કરતા હોવાનો શિક્ષક સંઘનો આક્ષેપ

ભરૂચઃ રાજકીય આગેવાનો શિક્ષકોને હેરાન કરતા હોવાનો શિક્ષક સંઘનો આક્ષેપ
X

માંડવાની શાળાનો વીડિયો વાયરલ કરી શિક્ષિકાઓને ખોટી રીતે પરેશાન કરી માનસિક ત્રાસ અપાતો હોવાની જિલ્લા કલેક્ટરને રજૂઆત

ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળાઓ પૈકી અંકલેશ્વર તાલુકાનાં માંડવા ખાતે આવેલી શાળામાં વિદ્યાર્થીનીઓને સફાઈ કરાવવામાં આવતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી શિક્ષકોને બદનામ કરવામાં આવતા હોવાનો જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે આક્ષેપ કર્યો છે. આ સંદર્ભે આજરોજ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી સમગ્ર મામલે તપાસ કરવા અને શિક્ષકોને થતા ત્રાસ સામે કેટલાંક રાજકીય આગેવાનોનો હાથ હોય શિક્ષણ કાર્યમાં કનડગત ન થાય તે માટે રજૂઆત કરી છે. તો સાથો સાથ રાજકીય નેતાઓ દ્વારા કરાતી કનડગતને લઈ શાળામાં વિદ્યાર્થીનીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ આજે જિલ્લા કલેક્ટરને સંબોધીને શિક્ષકોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં ઉલ્લેખ કર્યો હતો કે, માંડવાની પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી શાળાને બદનામ કરવાનો તથા શિક્ષિકાઓને માનસિક ત્રાસ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં કેટલાંક રાજકીય આગેવાનો ખોટી રીતે પ્રાથમિક શાળાઓને ટાર્ગેટ બનાવી પોતાનો સ્વાર્થ સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ તરફ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચેલાં પ્રતિનિધિઓ પૈકી પ્રાથમિક શિક્ષક સંઘનાં પૂર્વ પ્રમખ હર્ષદ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે. જે અંતર્ગત શાળાઓમાં પણ તે બાબતની અમલવારી કરવાની હોય છે. સાથો સાથ વિદ્યાર્થીઓ પાસે આ કોઈ પ્રકારનું હાર્ડ વર્ક નથી કરાવવામાં આવતું તે માત્ર શિક્ષણનાં ભાગરૂપે જ હોય છે. અને આરટીઈ એક્ટમાં પણ આ તમામ બાબતોની જોગવાઈ કરવામાં આવેલી છે. જેથી આગામી સમયમાં પણ શિક્ષણનાં ભાગરૂપે સ્વચ્છતા અભિયાન ચાલતું જ રહેશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ તો માત્ર કેટલાંક રાજકીય આગેવાનો પોતાનો રાજકીય રોટલો સેકવા માટે આવા પ્રકારનું કામ કરી રહ્યા છે. તેમનું માત્ર એક જ કામ હોય છે. અને સવારથી જ મોબાઈલ અને કેમેરા લઈને નીકળ પડે છે અને ખોટી રીતે શિક્ષકોને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ અંગે અગાઉ પણ ઉચ્ચ કક્ષાએ જાણ કરવામાં આવી છે.

Next Story