Connect Gujarat
Featured

ભરૂચ : સેવા યજ્ઞ સમિતિ દિવાળી જ નહીં 365 દિવસ નિરાધારોના જીવનમાં અજવાળા પાથરે છે

ભરૂચ : સેવા યજ્ઞ સમિતિ દિવાળી જ નહીં 365 દિવસ નિરાધારોના જીવનમાં અજવાળા પાથરે છે
X

દિવાળી એટ્લે જ્ઞાન, દાન અને માન આપવાનું મહાપર્વ, દિવાળી એટ્લે પ્રકાશનું પર્વ, ભારતીય સંસ્કૃતિના આ મહાપર્વમાં અનેક વ્યક્તિઓ ગરીબ વિસ્તારોમાં જઇ દાન આપી તેમના જીવનમાં નવો ઉત્સાહ અને ઉજાસ પઠારવાનું પૂણ્યનું કાર્ય કરે છે. પરંતુ ભરૂચના રાકેશ ભટ્ટ અને તેમની ટિમ ગરીબ, લાચાર, નિરાધાર અને વૃદ્ધ દર્દીઓના જીવનમાં એક દિવસ માટે નહીં પરંતુ 365 દિવસ અજવાળા પાથરે છે. સેવા યજ્ઞ સમિતિના માધ્યમથી આવા દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરી માનવતા મહેકાવે છે.

ભરૂચ સિવિલ હોસ્પિટલની પાછળના ભાગમાં જશો તો ત્યાં તમને હારબંધ ખાટલા અને પથારીમાં ગરીબ, લાચાર, નિરાધાર અને વૃદ્ધ દર્દીઓ જોવા મળશે. આ એવા દર્દીઓ છે જેમને ખાનગી દવાખાના, ટ્રસ્ટના દવાખાના કે સરકારની સિવિલ હોસ્પિટલ પર પોતાને ત્યાં રાખીને સેવા સારવાર કરતાં નથી. આ એવા દર્દીઓ છે કે જેમની પાસે સારવાર કરાવવાના કે બે ટંકનું પેટ ભરવાના રૂપિયા પણ નથી. આ એવા દર્દીઓ છે જેમના માથે છત્ર નથી. શહેરની ફૂટપાથ કે અવાવરુ જગ્યા પર દર્દ અને પીડા કણસતા હતા. આવા લાચાર, નિરાધાર વૃદ્ધ દર્દીઓને પોતાને ત્યાં રાખી તેમની સેવા અને સારવાર રાકેશ ભટ્ટ અને તેમની ટિમ સેવા યજ્ઞ સમિતિના માધ્યમથી કરી રહ્યા છે.

આપણે સૌ વાર તહેવાર કે શુભ પ્રસંગોમાં થોડું દાન દક્ષિણા આપી ધનેશ્વરી હોવાનો ગર્વ લઈએ છીએ. મંદિરો, મઠો અને મસ્જિદોમાં દાન આપી આપણે ધાર્મિક હોવાનો ગર્વ લઈએ છીએ. પણ જીવતા જાગતા લાચાર, નિરાધાર અને વૃદ્ધ દર્દીઓ તરફ નજર શુદ્ધા નથી કરતાં. દિવાળીના દિવસોમાં ગરીબ વિસ્તારોમાં જય ફટાકડા, મીઠાઇ અને કપડાં વહેંચી આપણે સંતોષ માની લઈએ છીએ. પણ રોડ પર કણસતા દર્દીઓને જોઈ આપણને સૂગ આવે છે. પણ રાકેશ ભટ્ટ અને તેમની ટીમ આવા દર્દીઓની આંગળી પકડી પોતાને ત્યાં લાવી તેમના જીવનમાં અજવાળા પાથરે છે.

ગરીબ દર્દીઓના ઘા સાફ કરી, પાટાપિંડી કરી દવા આપી પોતાની પાસે રાખી પોતાના પરિવારના જ સભ્ય હોય તેવી કાળજી રાખે છે. સવારે ચા-નાસ્તો અને બંને સમય ભોજન પણ આપવામાં આવે છે. આ સિવાય એવા અનેક ગરીબ દર્દીઓ છે જેમના ઓપરેશનનો ખર્ચ પણ સેવા યજ્ઞ સમિતિ ઉઠાવે છે.

એક તરફ જ્યાં ભાઈ- ભાઈને કે બહેનને અને દીકરા માં-બાપને રાખવા કે સારવાર કરવા તૈયાર નથી ત્યાં ગરીબ, લાચાર, નિરાધાર અને વૃદ્ધ પારકા દર્દીઓને પોતાના ગણી તેમની સેવા અને સારવાર કરી રાકેશ ભટ્ટ અને તેમની ટીમ માનવતાને મહેકવી રહ્યા છે.

Next Story