આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર છે અને અમે તમને ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામમાં આવેલાં શુકલેશ્વર મહાદેવના દર્શન કરાવી રહયાં છીએ.
ભરૂચ તાલુકાનું શુકલતીર્થ ગામ દેવ દિવાળીના દિવસે ભરાતાં ભાતીગળ મેળા માટે જાણીતું છે. ગામમાં શુકલેશ્વર મહાદેવ બિરાજમાન છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે, દરેક વ્યકતિએ જીવનમાં એક વખત શુકલતીર્થની જાત્રા જરૂરથી કરવી જોઇએ. શુકલતીર્થ ગામની દક્ષિણ દિશાને અડીને અર્ધચંદ્રાકારે વહેતી નર્મદા મૈયામાં સ્નાન કરવાનો મોટો મહિમા છે.
શુકલતીર્થમાં ઓમકારેશ્વર, અંબામાતા, દત્તાત્રેય ભગવાન, ગોપેશ્વર, મહા ભાગલેશ્વર, રણછોડરાયજી વગેરે મંદિરો આવેલાં છે. આ સમગ્ર તીર્થો થકી શુકલતીર્થ તીર્થક્ષેત્ર કહેવાય છે.આ તીર્થ સ્થાને બિરાજમાન શુકલેશ્વર મહાદેવજી ના દર્શન નું મહત્વ કારતક સુદ એકાદશી થી પૂનમ સુધી વધુ હોવાની માન્યતા છે.અને આ પાંચ દિવસો દરમિયાન આ તીર્થક્ષેત્રે પરંપરાગત ભાતીગળ મેળો પણ ભરાય છે.