Connect Gujarat
ગુજરાત

ભરૂચ : વહેલી સવારે વાગ્યું “જનતા કરફ્યુ”નું બ્યૂગલ, લોકોના પ્રતિસાદથી તમામ માર્ગો બન્યા સુમસાન

ભરૂચ : વહેલી સવારે વાગ્યું “જનતા કરફ્યુ”નું બ્યૂગલ, લોકોના પ્રતિસાદથી તમામ માર્ગો બન્યા સુમસાન
X

કોરોના વાયરસના પગલે જનતા કરફ્યુ જાહેર કરાતા ભરૂચ શહેરમાં વહેલી સવારે બ્યૂગલ વાગતાની સાથે લોકો સજાગ થઈ ગયા હતા. ભરૂચ શહેર તથા જીલ્લાના તમામ માર્ગો વહેલી સવારથી જ સુમસાન જોવા મળ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચના રોજ સમગ્ર દેશમાં જનતા કરફ્યુની કરેલી જાહેરાતના પગલે ભરૂચ શહેરમાં વહેલી સવારે બ્યૂગલ વગાડી લોકોને સજાગ કરવામાં આવ્યા હતા. જનતા કરફ્યુના કારણે ભરૂચ શહેર તથા જીલ્લાના તમામ માર્ગો વહેલી સવારથી જ સુમસાન જોવા મળ્યા હતા, ત્યારે કેટલીક ટ્રેનો રદ્દ થવાના કારણે હરહંમેશ મુસાફરોથી ધમધમતા ભરૂચ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર સન્નાટો વ્યાપી ગયો હતો. ઉપરાંત ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોચેલ એકલ દોકલ ટ્રેનમાં પણ મુસાફરો જોવા મળ્યા ન હતા. તો બીજી તરફ હંમેશા ટ્રાફિક જામના સમાચારો વચ્ચે સપડાયેલો ભરૂચ-અંકલેશ્વરને જોડતો ગોલ્ડન બ્રિજ પણ વાહનોના શોરગુલથી મુક્ત રહ્યો હતો. ઉપરાંત નેશનલ હાઇવે નં. 48 પરથી પસાર થતાં મોટા વાહનો પણ ઓછા જોવા મળ્યા હતા. જનતા કરફ્યુના કારણે ભક્તોએ પણ દેવાલયોમાં જવાનું ટાળ્યું હતું, તેમજ શહેરના મુખ્ય બજારોમાં લોકોએ સ્વયંભુ બંધ પાડી જનતા કરફ્યુને સારો પ્રતિસાદ આપ્યો હતો.

જનતા કરફ્યુના પગલે અંકલેશ્વર, હાંસોટ, ઝઘડીયા, નેત્રંગ, ડેડીયાપાડા, વાગરા, જંબુસર, આમોદ સહિતના તમામ વિસ્તારોમાં પણ જનતા કરફ્યુની અસર જોવા મળી હતી. અંકલેશ્વર શહેરના ચૌટા બજાર, ત્રણ રસ્તા, મુલ્લાવાડ, રેલ્વે સ્ટેશન રોડ સહિત GIDC વિસ્તારના તમામ માર્ગો સુમસાન જોવા મળ્યા હતા. તો સાથે જ APMC સહિતના શાક માર્કેટો અને દુકાનો પણ બંધ હોવાથી સમગ્ર શહેરમાં સન્નાટો જોવા મળ્યો હતો. જિલ્લાભરમાં ખડેપગે ફરજ બજાવતા પોલીસકર્મીઓ પણ મોઢે માસ્ક પહેરી પોતાની ફરજ નિભાવતા જોવા મળ્યા હતા.

Next Story