Connect Gujarat
Featured

ભરૂચ : શાકભાજી ખરીદવા આવતાં લોકોને કારણે વેપારીઓ અને કર્મીઓમાં ભય

ભરૂચ : શાકભાજી ખરીદવા આવતાં લોકોને કારણે વેપારીઓ અને કર્મીઓમાં ભય
X

દેશમાં લાગુ કરવામાં આવેલાં લોકડાઉન દરમિયાન જીવનજરૂરીયાતની વસ્તુઓનું વેચાણ ચાલુ રખાયું છે પણ લોકોના ધસારાના કારણે હવે વેપારીઓ તથા કર્મચારીઓ ડર અનુભવી રહયાં છે. ભરૂચ એપીએમસીના વેપારીઓ અને કર્મચારીઓ અત્યારે વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહયાં છે.

ભરૂચ શહેરની મનુબર ચોકડી વિસ્તારમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આવેલી છે. મહારાષ્ટ્ર, વડોદરા, પાદરા સહિતના શહેરોમાંથી રોજની સેંકડો ટ્રકો ભરીને શાકભાજી એપીએમસીમાં આવતું હોય છે. એપીએમસીમાંથી શાકભાજી છુટક વેચાણ માટે જતું હોય છે. દેશમાં લોકડાઉન બાદ છેલ્લા બે દિવસથી એપીએમસી ખાતે લોકોની ભીડ શાકભાજી ખરીદવા માટે ઉમટી રહી છે. કોરોના વાયરસથી સંક્રમણ રોકવા માટે લોકોને ઘરોમાં રહેવા સલાહ આપવામાં આવી છે પણ લોકો ઘરોની બહાર નીકળી રહયાં છે. લોકોને શાકભાજીનો પુરતો જથ્થો મળી રહે તે માટે ભરૂચ એપીએમસી ખાતે વેપારીઓ અને કર્મચારીઓ ખડે પગે હાજર રહે છે.

એપીએમસીના કર્મચારીએ નામ નહિ આપવાની શરતે જણાવ્યું હતું કે, તેમને હવે ડર લાગી રહયો છે. એપીએમસીની આસપાસના વિસ્તારમાં બિન નિવાસી ભારતીયો (NRI)ની સંખ્યા વધારે છે. દેશમાં કોરોના વાયરસ વિદેશથી આવેલાં લોકોમાં વધારે જોવા મળ્યો છે ત્યારે ખરીદી માટે આવતાં લોકોમાં NRI હોય તો તેના કારણે સંક્રમિત થવાનો ભય સતાવી રહયો છે. અમે સલામતીના પુરતાં પગલાં ભરી રહયાં છે પણ આ એક ડર અમારા મનમાં પ્રવેશી ગયો છે. સરકાર આ બાબતે પણ ધ્યાન આપે તો વેપારીઓ અને કર્મચારીઓને કોરોના વાયરસના સંક્રમણમાંથી બચાવી શકાય તેમ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલાં ગામડાઓમાંથી હજારો લોકો વિદેશોમાં સ્થાયી થયાં છે અને તેઓની સતત અવરજવર તેમના વતનમાં રહેતી હોય છે. આવા સંજોગોમાં એપીએમસીના કર્મચારીઓએ વ્યકત કરેલી દહેશત પણ યોગ્ય છે.

Next Story