Connect Gujarat
ગુજરાત

ભરૂચના વાગરા તાલુકાના નાંદેડા ગામે મકાનની દીવાલ ધરાશયી: 3 બાળકીના મોત

ભરૂચના વાગરા તાલુકાના નાંદેડા  ગામે મકાનની દીવાલ ધરાશયી: 3 બાળકીના મોત
X

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના નાંદેડા ગામમાં રાજ પરિવાર માટે આજનો દિવસ કાળ બનીને આવ્યો હતો. નાંદેડા ગામ માં રહેતા નરેન્દ્રભાઈ રાજ આજે સવારે ૮ કલાકના સમય દરમિયાન પોતાના નિત્ય કર્મ પ્રમાણે ઘરમાં નાસ્તો કરતા હતા. દરમિયાન તેમના મકાનની દીવાલ અચાનક ધરાશયી થવા પામી હતી. જેમાં તેમના ઘરના પાંચ સભ્ય દબાઇ જવા પામ્યા હતા. દિવાલ પડવાથી દબાયેલા સભ્યોમાં નરેન્દ્રભાઈ રાજ તેમની પત્ની રંજનબેન રાજ થતા તેમની ૩ પુત્રીઓ ઝીનલ ઉં.વર્ષ ૭, પીનલ ઉં.વર્ષ-૫ અને ક્રિષ્ના ઉં.વર્ષ-૨ ઘરના કાટ માળ માં દબાયા હતા.

આ ઘટના ની જાણ આજુ બાજુના રહીશોને થતાં જ પડોશીઓ તેમજ ગામના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જયાં કાટમાળને હટાવી ઘરના પાંચેવ સભ્યોને બહાર કાઢી તેમને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. જેમાં સિવિલ હોસ્પીટલના ફરજ ઉપરના તબીબે ૩ નાની બાળકીઓને મૃત જાહેર કરી હતી. જયારે નરેન્દ્રભાઈ રાજ અને તેમની પત્ની રંજનબેનને ઇજાને પગલે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા હતા.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના નાંદેડા ગામે બનેલી આ દુઃખદ ઘટનાને પગલે નાંદેડા ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. સમગ્ર ઘટનાની વાગરા પોલીસને જાણ થતાં પોલીસ ટીમ તુરંત ભરૂચ સિવિલ પર પહોંચી મૃતક બાળકીઓનો કબ્જો મેળવી તેને પી.એમ. અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story