Connect Gujarat
ગુજરાત

ભરૂચ : નર્મદાના પુરના પાણી બન્યાં આફત : કેળનો પાક બચાવવા જહેમત

ભરૂચ : નર્મદાના પુરના પાણી બન્યાં આફત : કેળનો પાક બચાવવા જહેમત
X

નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી થતાં નદી કિનારે આવેલાં માંડવા, ગોવાલી સહિતના ગામોમાં કેળના પાકને વ્યાપક નુકશાન થયું છે. ખેતરોમાં બચી ગયેલી કેળાની લુમોને ગામલોકો કેડ સમાણા પાણીમાં જીવના જોખમે ચાલીને બહાર લાવી રહયાં છે.

નર્મદા ડેમ ખાતે 30 દરવાજા લાગી ગયાં બાદ આ વર્ષે પ્રથમ વખત ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહયું છે. ડેમમાંથી આવેલા લાખો કયુસેક પાણીથી ડાઉનસ્ટ્રીમમાં નર્મદા નદી બે કાંઠે વહેવા લાગી છે. નર્મદા નદીના જળસ્તર વધી જતાં કાંઠા વિસ્તારોમાં ખેતી કરતાં ખેડૂતોની હાલત કફોડી બની ચુકી છે. ગોવાલી, માંડવા, ઝઘડીયા સહિતના ગામોમાં કેળાની ખેતી વિશાળ પ્રમાણમાં કરવામાં આવે છે. નર્મદા નદીના પુરના પાણી ફરી વળતાં ખેતરો પાણીમાં ગરકાવ બની ગયાં છે. જેના કારણે ખેતરોમાં તૈયાર થયેલો કેળાના પાકને વ્યાપક નુકશાન પહોંચી ગયું છે. કેળાનો પાક બગડી રહયો હોવાથી ધરતીપુત્રોમાં દોડધામ મચી છે.

માંડવા સહિતના ગામો પાણીથી બેટમાં ફેરવાઇ ગયાં છે. બ્રિજ તથા ટોલનાકાના બાંધકામના કારણે ગામોમાંથી પાણીનો નિકાલ પણ અટકી ગયો છે. ખેતરોમાં જવા માટેના રસ્તાઓ પણ પાણીમાં ડુબાડુબ છે. કેળાના પાકને બચાવવા માટે ખેડૂતોએ હવે તેમનો જીવ જોખમમાં મુકી દીધો છે. કેડસમાણા પાણીમાં તેઓ પ્લાસ્ટીકની થેલીઓ લઇને ખેતરોમાં જાય છે અને કેળાની લુમો તોડીને બહાર લાવી રહયાં છે. પુરના પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં નહી આવતાં ખેડૂતો અને ગામલોકોમાં રોષ જોવા મળી રહયો છે.

Next Story