Top
Connect Gujarat

ભરૂચ: રમઝાન પૂર્વે પશ્ચિમ ચુનારવાડમાં પાણીની મોકણ,ટેક્ષ ભરતી પ્રજાને પાણી વેચાતું લેવાનો વારો..!

ભરૂચ: રમઝાન પૂર્વે પશ્ચિમ ચુનારવાડમાં પાણીની મોકણ,ટેક્ષ ભરતી પ્રજાને પાણી વેચાતું લેવાનો વારો..!
X

પ્રજાલક્ષી કામના બણંગા ફૂંકતી ભરૂચ નગર પાલિકા પ્રજાને પાણી પુરૂં પાડવામાં પાણીમાં બેસી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચના પ્રથમ નાગરિક કહેવાતા પાલિકા પ્રમુખ પણ પ્રજાને અપાતી પ્રાથમિક સુવિધા આપવામાં ઉણા ઉતર્યા હોય તેમ મીડીયાકર્મીએ વિડિયો બતાવ્યા બાદ સમસ્યાનો હલ કરીશુંની પોકળ વાતો કરી પાણીમાં બેસી ગયા હોય તેમ લાગી રહ્યું છે.

ભરૂચ નગર પાલિકા પાણીના પ્રશ્ને વારંવાર ચર્ચાની એરણે ચઢી રહી છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારના મુસ્લિમ ચુનારવાડ વિસ્તારમાં છેલ્લા ૬ થી ૮ મહિનાથી રહિશોને પીવાનું તો દુર પણ ઘરવપરાશ માટે પાણી પણ ના મળતું હોવાની બુમો ઉઠવા પામી છે. એક તરફ ભર ઉનાળો અને બીજી તરફ રમઝાન નજીકમાં હોય ઇબાદત કઈ રીતે કરવી તેની મુંઝવણ સ્થાનિક મહિલાઓ અનુભવી રહી છે. આ વિસ્તારની મહિલાઓને પાણી માટે વહેલી સવારે ૪ વાગ્યાના ઉઠી નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરે જઈ પાણી ભરવા કાકલુદી કરી બે હાથ જોડવા પડે છે. એટલુંજ નહીં આ વિસ્તારના રહીશોને મસ્જીદમાંથી પાણી ભરવા રૂપિયા ૧૦૦ ચુકવીને પણ પોતાનો વારો આવે તેની રાહ જોવાની નોબત આવી છે.

આ અંગે મિડિયા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કરતા આ વિસ્તારના વયો વૃદ્ધ પણ રડમસ ચેહરે હાથ જોડી પાલિકા દ્વારા પાણી અપાય તેવી માંગ કરી રહ્યા હતા. તો મહિલાઓ દ્વારા પોતાની વ્યથા કહેતા જણાવ્યું કે જુવાન દિકરીઓ સાથે વહેલી સવારે નિચાણવાળા વિસ્તારમાં ન્હાવા,ધોવા તેમજ પાણી ભરવા જવું પડે છે.જેમાં ઘણી વાર તેમને અપમાનીત પણ થવું પડે છે, તો કેટલીય વાર લાઇન માં ઉભા રહેવા છતાં પાણી ન મળતા તેમને પારાવાર મુસ્કેલીનો સામનો કરવો પડે છે.

પાણિની પ્રજાની તકલીફ લઈને મીડીયા કર્મીઓ જ્યારે ભરૂચના પ્રથમ નાગરિક પાસે પહોંચ્યા અને તેમને વિડિયો બતાવતા જ તેઓએ કહ્યું આ મારા ધ્યાનમાં હમણાં આવ્યું છે. બને તેટલું જલ્દી પાણી મળે તેવી વ્યવસ્થા કરીશું તેમ જણાવ્યું હતું.

Next Story
Share it