Connect Gujarat
Featured

ભરૂચ : ઝઘડીયા તાલુકામાં ફૂલની ખેતી કરતાં ખેડૂતોએ ફૂલનો જથ્થો પાણીના પ્રવાહમાં ફેંક્યો, જાણો શું છે કારણ..!

ભરૂચ : ઝઘડીયા તાલુકામાં ફૂલની ખેતી કરતાં ખેડૂતોએ ફૂલનો જથ્થો પાણીના પ્રવાહમાં ફેંક્યો, જાણો શું છે કારણ..!
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં ફુલોની ખેતી કરતા ખેડૂતોને ભાવ ન મળવાના કારણે ગુલાબના ફુલો ફેંકી દેવાનો વારો આવ્યો હતો.

કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉન બાદ પણ ખેડૂતોની હાલત કફોડી બની છે. હાલમાં જ કેળ, શેરડી, પપૈયા જેવા પાકોમાં ખેડૂતોને ખૂબ મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે હવે ગુલાબના ફૂલની ખેતી કરતા ખેડૂતોની હાલત પણ દયનિય બની છે. ખેતરોમાં હજારો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલા ગુલાબના ફુલોને ફેકી દેવાનો વારો આવ્યો છે.

ઝઘડીયા તાલુકામાં નર્મદા કાંઠાના વેલુ ગામ, ભાલોદ, નાના વાસણા અને ઈન્દોર વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખેડૂતો ગુલાબની ખેતી કરે છે. ફૂલોના ભાવ ન મળવાના કારણે તેમજ વેપારીઓ ફૂલ ન લઇ જતા હોવાના કારણે ગુલાબના ફૂલોને ખેડૂતો પાણીના પ્રવાહમાં ફેંકી દેતા નજરે પડ્યા હતા. ફુલના જથ્થાને ફેંકી દેવાનું કારણ પૂછતા વેલુ ગામના ખેડુતે જણાવ્યું હતુ કે, હાલમાં 8 દિવસથી ફુલોના વેચાળ માટે બજાર બંધ છે, અને ગુલાબના ફુલ કોઇ વેપારીઓ ખરીદવા આવતા નથી. કોઈ વ્યાપારી ફૂલ ખરીદવા આવે છે, તો તદ્દન ઓછા ભાવે માંગ કરે છે. જેથી ખેડૂતોને આ તૈયાર થયેલા ગુલાબના ફૂલોને પાણીના પ્રવાહમાં ફેંકી દેવાનો વારો આવ્યો છે. જોકે આ વર્ષે ગુલાબની ખેતીમાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Next Story