Connect Gujarat
ગુજરાત

ભરૂચ : દહેજમાં બીજા દિવસે પણ શ્રમજીવીઓનું વિરોધ પ્રદર્શન, પોલીસે છોડયાં ટીયર ગેસના સેલ

ભરૂચ : દહેજમાં બીજા દિવસે પણ શ્રમજીવીઓનું વિરોધ પ્રદર્શન, પોલીસે છોડયાં ટીયર ગેસના સેલ
X

ભરૂચ જિલ્લાની દહેજ જીઆઇડીસીમાં અટવાયેલાં પરપ્રાંતિય શ્રમિકોએ વતનમાં જવાની માંગ સાથે બીજા દિવસે પણ ચકકાજામ કરી દીધો હતો. શ્રમિકોના ટોળાને વિખેરવા માટે પોલીસને ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.

દહેજ જીઆઇડીસીમાં યુપી, બિહાર, ઝારખંડ સહિતના અનેક રાજયોમાંથી હજારો શ્રમિકો રોજગારી માટે સ્થાયી થયાં છે પણ લોકડાઉનના કારણે તેમની હાલત કફોડી બની ચુકી છે. જોલવા ગ્રામ પંચાયતે ચાર વિશેષ ટ્રેન માટે પૈસા ભરી દીધા હોવા છતાં ટ્રેનની વ્યવસ્થા થતી ન હોવાથી શ્રમજીવીઓમાં રોષ ફેલાયો છે. બે દિવસથી તેઓ વતનમાં જવાની માંગ સાથે ચકકાજામ કરી રહયાં છે.

જોલવા તથા આસપાસના ગામોમાં હજારોની સંખ્યામાં પરપ્રાંતિય શ્રમિકો રહે છે પણ તેઓ વતનમાં ઉચાળા ભરી રહયાં હોવાથી હવે ગામડાઓ ખાલી થઇ રહયાં છે. ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા તેમની ટીમે ગઇકાલે સ્થળ પર દોડી જઇ શ્રમિકોને સમજાવીને મામલો થાળે પાડયો હતો પણ આજે ફરી શ્રમિકોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. ટોળાને વિખેરવા માટે પોલીસને ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.

ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી અત્યાર સુધીમાં 12 હજાર કરતાં વધારે શ્રમિકોને વિશેષ ટ્રેનો મારફતે તેમના વતનમાં રવાના કરી દેવામાં આવ્યાં છે. જિલ્લામાં અટવાય પડેલાં શ્રમિકો માટે રજીસ્ટ્રેશન ચાલી રહયું છે. લોકડાઉન 17મી બાદ પણ ચાલુ રહેવાનું હોવાથી શ્રમજીવીઓ હવે કોઇ પણ ભોગે વતનમાં પરત જવા માંગે છે. એક શ્રમિકે જણાવ્યું હતું કે, બે મહિનાથી પગાર વિના ખાવાના વલખા પડી ગયાં છે. અમે પણ ભારતના નાગરિકો છે પણ અમને ભુખમરાથી શા માટે મારી રહયાં છો તેના કરતાં અમને ગોળી મારી દો…..

ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, શ્રમિકોને વતનમાં મોકલવાના પ્રયાસો ચાલુ જ છે. ખાવા માટે રાશન, કંપનીઓ પાસેથી લેવાનો થતો પગાર અને વતનમાં જવા ઝડપથી ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવે તે શ્રમિકોની મુખ્ય માંગણીઓ છે. તેમની માંગણીઓ સંદર્ભમાં પગલાં ભરવામાં આવી રહયાં છે.

દહેજ જીઆઇડીસીમાં હાલ 300 કરતાં વધારે કંપનીઓ કાર્યરત છે અને અનેક નવી કંપનીઓ આવી રહી છે. આવા સંજોગોમાં વર્તમાન સ્થિતિને જોઇ તમામ પરપ્રાંતિય શ્રમિકોએ વતનમાં પરત જવાનું મન બનાવી લીધું છે. જો શ્રમજીવીઓ ઉચાળા ભરી જશે તો ઉદ્યોગો કેમ ચલાવવા તે પણ ઉદ્યોગકારો માટે સમસ્યા બની છે.

Next Story