Connect Gujarat
Featured

ભરૂચ : વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન સંસ્થાએ સેવાની ધૂણી ધખાવી, જરૂરીયાતમંદો માટે શરૂ કર્યું “ઓક્સિજન સેન્ટર”

ભરૂચ : વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન સંસ્થાએ સેવાની ધૂણી ધખાવી, જરૂરીયાતમંદો માટે શરૂ કર્યું “ઓક્સિજન સેન્ટર”
X

ભરૂચ ખાતે કોરોના વાયરસના સંક્રમણમાં સપડાયેલા અને ઓક્સિજનની અછતના કારણે મુશ્કેલી અનુભવતા દર્દીઓની સહાય માટે એક સેવાભાવી સંસ્થા આગળ આવી છે. વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશનના સભ્યો જરૂરીયાતમંદ દર્દીઓ સુધી ઓક્સિજનના બોટલ પહોચાડી સેવાની ધૂણી ધખાવી રહ્યા છે.

છેલ્લા 6 મહિનાથી કોરોનાના કાળચક્રએ લોકોને ભરડામાં લીધા છે. દિન પ્રતિદિન કોરોના વાયરસથી સંક્ર્મીતોની સંખ્યા પણ કુદકેને ભૂસકે વધી રહી છે, ત્યારે અનેક એવા જીલ્લાઓ છે જેમાં આરોગ્યની સુવિધાઓની અછત છે. જેના કારણે દર્દીઓને અન્ય જીલ્લાઓ પર નિર્ભર રહેવું પડે છે. આવો જ એક જીલ્લો ભરૂચ જીલ્લો પણ છે. જેમાં આરોગ્યની સુવિધાઓ માટે જિલ્લાવાસીઓએ નજીકના વડોરા અને સુરત જીલ્લા પર નિર્ભર રહેવું પડે છે. પુરતી આરોગ્યની સુવીધા ન હોવાના કારણે સાંપ્રત સમયમાં દર્દીઓએ હાલાકી વેઠવી પડે છે. તેવામાં ભરૂચની એક સેવાભાવી સંસ્થા આગળ આવી છે. હાલ કોરોનાની પરિસ્થિતિમાં ઓક્સિજનની જરૂરીયાત જણાતા દર્દીઓને ઓક્સીજનના બોટલ પહોચાડવાની નેમ લીધી છે.

ભરૂચ શહેરની વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન સંસ્થા દ્વારા કોરોનાની શરૂઆત સાથે જ અવેરનેસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ જેમ જેમ કોરોના વાયરસે પોતાની ગતી વધારી તેમ તેમ માલુમ પડ્યું કે, અનેક લોકોને ઓક્સિજનની જરૂર પડી રહી છે. પરંતુ જીલ્લામાં તેની સાપેક્ષે જોઈએ તેટલી વેન્ટીલેટર કે, ઓક્સિજનની સુવિધા નથી. આ બાબતને ધ્યાનમાં રાખી સંસ્થા દ્વારા ગત તા. 15મી જુલાઈથી ભરૂચમાં ઓક્સિજન સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીઓ હોસ્પીટલ અથવા તો ઘરે હોમ આઈસોલેશનમાં હોય કે, પછી અન્ય કોઈ તકલીફ હોય તેવા દર્દીઓને વિનામુલ્યે ઓક્સિજનના બોટલની સુવિધા પુરી પાડવામાં આવે છે. તમામને સમયસર સુવિધા મળી શકે તે માટે સ્વયંસેવકોની નિમણૂંક કરી અન્ય તાલુકાઓમાં પણ ઓક્સિજન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. હાલ સુધી આ સુવિધાઓનો લાભ 400થી વધુ દર્દીઓ લઇ ચુક્યા છે. તો ઓક્સિજનના અભાવે અનેક એવા દર્દીઓ હતા જેઓને જો આ સુવિધા સમયસર ન મળી હોત તો તેઓને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હોત. પરંતુ આ સેવાભાવી સંસ્થાની મદદથી અનેક લોકોએ પોતાના સ્વજનોને મોતના મુખમાંથી પાછા ખેંચ્યા છે, ત્યારે સાજા થનાર દર્દીઓના પરિવારજનો પણ વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન સંસ્થાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી રહ્યા છે.

Next Story