Connect Gujarat
Featured

ભરૂચ : “વર્લ્ડ પોસ્ટ ડે”, સોશિયલ મીડિયાના વ્યાપ સામે પોસ્ટલ સેવાના અસ્તિત્વ સામે ખતરો

ભરૂચ : “વર્લ્ડ પોસ્ટ ડે”, સોશિયલ મીડિયાના વ્યાપ સામે પોસ્ટલ સેવાના અસ્તિત્વ સામે ખતરો
X

આજે 9મી ઓક્ટોબર એટલે "વર્લ્ડ પોસ્ટ ડે", ત્યારે વિસરાતી જતી પોસ્ટલ સુવિધાઓ તેના ભવિષ્ય સામે ચોક્કસ ચિંતા પેદા કરે છે. ટપાલ કે, પોસ્ટકાર્ડ આજની પેઢી માટે વિષય બહારનો પ્રશ્ન બની ગયો છે. હાઈટેક જમાનામાં ટપાલનું સ્થાન ઈમેલ અને મેસેજે લઇ લીધું છે. ખભા પર જથ્થાબંધ કાગળ ભરેલો થેલો અને ખાખી કપડા અને માથે ટોપી પહેરી સાઇકલ પર સવાર થઈને આખું ગામ ખૂંદતા ટપાલી આજે નહિવત જોવા મળે છે. તેનું મુખ્ય કારણ કદાચ સમય પરિવર્તન અને ટેકનોલોજી કહી શકાય. આજથી થોડા વર્ષ અગાઉ કોઈ વ્યક્તિને પોતાનાથી દૂરના અંતરે રહેતા સ્વજન સુધી સંદેશો પોહચાડવો હોય તો તેના માટે પોસ્ટકાર્ડ, ઈનલેન્ડ લેટર, ટેલીગ્રામ જેવી પોસ્ટલ સુવિધાઓના શ્રેષ્ઠ વિકલ્પ હતો. પરંતુ છેલ્લા એકાદ દાયકામાં સોશિયલ મીડિયાની આંધી સામે પોસ્ટલ સુવિધાઓ હાંસિયામાં ધકેલાઇ ગઇ છે. આજ કારણ છે કે, ભારતીય પોસ્ટલ વિભાગની મહેસૂલી ખાધ હવે વધીને રૂપિયા 15 હજાર કરોડ થઈ ગઈ છે. જેથી આવક વધારવા પોસ્ટ વિભાગ દ્વારા અન્ય વિવિધ સેવા ચાલુ કરવા વિચારણા થતી રહે છે. અગાઉના સમયમાં લોકો પોસ્ટમેનની આતુરતાપૂર્વક રાહ જોતાં હતા. એટલું જ નહિ પોસ્ટમેન અનેક ઘરના સુખ દુ:ખના સાથી સમાન પરિવારના સદસ્ય સમાન બની રહેતા હતા.

આજે સોશિયલ મીડિયા દ્વારા ગણતરીની સેકન્ડમાં વિદેશમાં રહેતી વ્યક્તિ સુધી પણ સંદેશો પહોંચાડી શકાય છે. મોબાઇલ ફોન, સોશિયલ મીડિયાના આગમન અગાઉ તાકીદનો સંદેશો મોકલવા માટે ટેલિગ્રામનો ઉપયોગ થતો. આ ટેલિગ્રામ સેવા થોડા વર્ષ અગાઉ જ બંધ કરવામાં આવી હતી. હાલમાં ટપાલ સેવા પણ ડચકાં ખાતી ચાલી રહી છે. આજે ભાગ્યે જ કોઇ વ્યક્તિ એવી જોવા મળશે જે સંદેશો પહોંચાડવા માટે 50 પૈસાના પોસ્ટકાર્ડનો ઉપયોગ કરતી હશે. આ ઉપરાંત દિવાળી સમયે ગ્રીટિંગ્સ કાર્ડ મોકલવા માટે પણ પોસ્ટલ સુવિધાના ઉપયોગમાં ભારે ઘટાડો નોંધાયો છે. આજની પેઢીને તો પોસ્ટકાર્ડ એટલે શું અને લખવાની પદ્ધતિ જ ખ્યાલ નહીં હોય. છેલ્લા કેટલાક વર્ષોથી પોસ્ટકાર્ડનું પ્રમાણ ખૂબ ઘટ્યું છે. ઉપરાંત ઈનલેન્ડ લેટર્સ પણ ભાગ્યે જોવા મળે છે. જોકે સ્પીડ પોસ્ટ માટે આજે પણ કુરિયર કરતા વધુ પસંદગી પોસ્ટ વિભાગની થાય છે. જેમાં કોરોના કાળ દરમ્યાન સારો એવો વધારો થયો છે. તેથી પોસ્ટ વિભાગને સ્પીડ પોસ્ટથી જ મહત્તમ આવક થઈ રહી છે. જોકે પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં ટપાલ મોકલવા સંબધિત કામગીરીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આજ કારણે પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં ગંગાજળના વેચાણ સહિત મોટા મંદિરના પ્રસાદથી માંડીને રેલ્વે ટિકિટ બુકિંગ જેવી કામગીરી પણ હવે કરવામાં આવી રહી છે. વિસરાતી જતી પોસ્ટ સુવિધાને બદલાતા જમાના સાથે તાલમેલ મેળવી ટેકનોલોજીકલ અપગ્રેડ કરવામાં આવે તો અસ્તિત્વ માટે ઝઝૂમતો પોસ્ટ વિભાગ આગામી દિવસોમાં પુનઃ પોતાનો ભવ્ય ભૂતકાળ પ્રાપ્ત કરી શકે તેમ છે.

Next Story