Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : પૈસા માટે મિત્રની હત્યા કરી ભાગી છુટેલો હત્યારો બિહારથી ઝડપાયો

મૃતકના પીએફના પૈસા પચાવી પાડવા માટે તેના જ બે મિત્રોએ ભેગા મળી તેની હત્યા કરી નાંખી હતી

અંકલેશ્વર : પૈસા માટે મિત્રની હત્યા કરી ભાગી છુટેલો હત્યારો બિહારથી ઝડપાયો
X

અંકલેશ્વરમાં મીરાનગર પાસે ઝાડીઓમાંથી યુવાનનો મૃતદેહ મળી આવવાના કેસમાં ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. મૃતકના પીએફના પૈસા પચાવી પાડવા માટે તેના જ બે મિત્રોએ ભેગા મળી તેની હત્યા કરી નાંખી હતી. આ કેસમાં ફરાર એક આરોપીને પોલીસે બિહારથી ઝડપી પાડયો છે. બનાવની હકીકત પર નજર કરવામાં આવે તો... અંકલેશ્વરમાં ગત 17નવેમ્બરે મીરા નગર પાછળ આવેલી હોટલ નર્મદા ગેટ પાસેની ઝાડીમાં હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક મિથિલેશ સિંહ પ્રમોદ સિંહ રહે. શાંતિનગર અને મૂળ આઝમગઢ યુ.પી. નો હોવાનું બહાર આવ્યું હતું. હત્યા કેસની તપાસ ચાલતી હતી તે સમયે ભરૂચ એલસીબીને બાતમી મળી હતી કે મૃતકની હત્યામાં તેના જ મિત્રોની સંડોવણી છે. આ મિત્રોના નામ અરૂણ ઠાકોર અને રંજન તરીકે ખુલ્યાં હતાં.

આરોપી અરૂણ ઠાકોરને તેની પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે પૈસાની જરૂર હતી જયારે રંજનના માથે દેવું વધી જતાં તે પૈસાની શોધખોળમાં હતો. દરમિયાન બંનેએ ભેગા મળી મિથિલેશની હત્યાનો પ્લાન ઘડી નાંખ્યો હતો. બંનેએ મિથિલેશની હત્યા કર્યા બાદ તેના રૂમમાંથી એટીએમ મેળવી લીધું હતું. મિથિલેશના ખાતામાં જમા થનારા પીએફના પૈસા બંને એટીએમથી ઉપાડી લેવાના હતાં. બંને મિત્રો હત્યા કરી વતન તરફ ભાગ્યા હોવાની વિગતો સપાટી પર આવતા ભરૂચ એલસીબી પોલીસની ટીમે આર.પી.એફ તેમજ રેલ્વે પોલીસને શકમંદના નામ અને ફોટો મોકલી આપ્યા હતા. જે પૈકી સુરત મુઝફ્ફર નગર જતી ટ્રેનમાંથી રતલામ પોલીસે અરુણ ચરણજીતસિંગ ઠાકોરને ઝડપી પાડ્યો હતો. જયારે રંજન ફરાર થઇ ગયો હતો. ફરાર રંજન મહંતોને પોલીસે બિહારથી ઝડપી પાડયો છે. આમ મિથિલેશ હત્યા પ્રકરણમાં બંને હત્યારાઓ પોલીસ સકંજામાં આવી ગયાં છે.

Next Story