Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયા ટાઉનના વિવિધ પડતર પ્રશ્ને AAP આવ્યું મેદાનમાં, ગ્રામ પંચાયતનો કર્યો ઘેરાવો

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ટાઉનમાં છેલ્લા કેટલાક સમયથી પ્રજાના વિવિધ પ્રશ્નો સળગતા રહ્યા છે. ઝઘડીયાની સુએઝ ગટરલાઈનનું લીકેજ ટાઉનના રહીશો માટે માથાના દુ:ખાવા સમાન બની રહે છે,

ભરૂચ : ઝઘડીયા ટાઉનના વિવિધ પડતર પ્રશ્ને AAP આવ્યું મેદાનમાં, ગ્રામ પંચાયતનો કર્યો ઘેરાવો
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ટાઉનમાં છેલ્લા કેટલાક સમયથી પ્રજાના વિવિધ પ્રશ્નો સળગતા રહ્યા છે. ઝઘડીયાની સુએઝ ગટરલાઈનનું લીકેજ ટાઉનના રહીશો માટે માથાના દુ:ખાવા સમાન બની રહે છે, જેનું સમયસર સમારકામ જવાબદાર વિભાગ દ્વારા કરવામાં આવતું નથી. ગામના રોડ-રસ્તા, ઉપરાંત ઠેરઠેર ગંદકી તથા જરૂરતવાળી જગ્યા ઉપર શૌચાલયના અભાવની સમસ્યા ઝઘડીયા ટાઉનમાં રહેલી છે, ત્યારે ઝઘડીયા તાલુકા આદમી પાર્ટી દ્વારા ઝઘડિયા ટાઉનના વિવિધ પ્રશ્નોને લઇ ઝઘડીયા સુલતાનપુર ગ્રુપને સાથે રાખી ગ્રામ પંચાયતનો ઘેરાવો કરવામાં આવ્યો હતો.

ભરૂચ જીલ્લામાંથી પાર્ટીના પ્રમુખ જયરાજસિંહ રાજ, તાલુકા પ્રમુખ કરણસિંહ પરમાર, જિલ્લા મંત્રી પ્રફુલસિંહ પરમાર, જીલ્લા યુવા પ્રમુખ અભિલેષસિહ ગોહિલ સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરો તથા સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઝઘડિયા ચાર રસ્તાથી સૂત્રોચ્ચાર સાથે ઝઘડિયા ગ્રામ પંચાયત પર પહોંચ્યા હતા, ત્યારે ગ્રામ પંચાયત કચેરી પર હાજર તલાટી કમ મંત્રીને ઝઘડીયા ટાઉનના પ્રાથમિક જરૂરિયાતના પ્રશ્નો તાત્કાલિક અસરથી ઉકેલવા માંગણી કરી હતી. સુલતાનપુરા વિસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યામંદિરની બહાર પણ મોટા પાયે ગંદકી હોવાનો આક્ષેપ મહીલા કાર્યકર દ્વારા કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રમુખ જયરાજસિંહ રાજે અત્યાર સુધીમાં ઝઘડીયા તાલુકા કક્ષાનું ગામ હોવા પછી પણ ગામમાં વિકાસ થયો જ નથી તેવો આક્ષેપ કર્યો હતો. ઝઘડીયા તાલુકા આદમી પાર્ટીના પ્રમુખ કરણસિંહ પરમારે જણાવ્યું હતું કે, ઝઘડીયા ટાઉનમાં રસ્તાના કોઈ ઠેકાણા નથી. ઝઘડીયા ગામના કોઈ મોટા નેતાના ત્યાં લગ્ન હોય તો રાતોરાત ગામના રસ્તાઓ રિપેર થઈ જતા હોય છે. રોડ-રસ્તા આમ જનતા માટે બનવા જોઈએ કે, નેતાઓ માટે બનવા જોઈએ તેવો વેધક સવાલ પણ કર્યો હતો. ઝઘડીયા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ આ બાબતે આમ આદમી પાર્ટીના કાર્યકરો તથા ગ્રામજનોને તેમના પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવામાં આવશે તેમ જણાવી આશ્વાસન આપ્યું હતું.

Next Story