Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રીકશામાં તમારી બાજુમાં બેઠેલા મુસાફર પર ધ્યાન રાખજો, વાંચો શું બની છે ઘટના

રીકશામાં તમારી બાજુમાં બેઠેલા મુસાફરથી સાવધાન રહેવાની જરૂર

ભરૂચ : રીકશામાં તમારી બાજુમાં બેઠેલા મુસાફર પર ધ્યાન રાખજો, વાંચો શું બની છે ઘટના
X

તમે રીકશામાં મુસાફરી કરો છો તો તમારી બાજુમાં બેઠેલા મુસાફરથી સાવધાન રહેવાની જરૂર છે. આનું કારણ છે ભરૂચ પોલીસે ત્રણ એવા ગઠિયાઓને ઝડપી પાડયાં છે કે જેઓ રીકશામાં મુસાફર તરીકે બેસી અન્ય મુસાફરોના ખિસ્સામાંથી રોકડ રકમ સેરવી લેતાં હતાં. ટોળકી શહેરમાં રીકશા લઇને ફરતી હતી અને રીકશામાં મુસાફરોને બેસાડી ગુનાને અંજામ આપતી હતી.

ભરૂચ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રિક્ષામાં મુસાફરોને બેસાડી નજર ચૂકવી તેઓના મોબાઈલ ફોન તેમજ રોકડ રકમની ચોરી કરતી ટોળકી સક્રિય થઇ હતી. આ ટોળકીને ઝડપી પાડવા માટે એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પોલીસ ઇન્સપેકટરોને સુચના આપી હતી. એસ.પી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ડીવાયએસપી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પી.આઈ એ. કે. ભરવાડ તથા તેમના સ્ટાફે શહેરમાં વિવિધ સ્થળોએ લગાડવામાં આવેલાં સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસ ટોળકીનું પગેરૂ શોધી કાઢયું હતું. પોલીસે સુરતના બાપુનગર વિસ્તારમાં રહેતાં બિલાલ મુસ્તાક પટેલ, સુરતના ભેસ્તાનમાં રહેતાં ફારૂક લુકમાન સૈયદ અને ઇંતેજાર નિશાર સૈયદને ઝડપી પાડયાં હતાં. આરોપીઓ પાસેથી એક રીકશા,ચાર મોબાઇલ અને 7 હજાર રૂપિયા રોકડા કબજે લેવામાં આવ્યાં છે. ઝડપાયેલા આરોપીઓએ શકિતનાથ વિસ્તારમાંથી એક વ્યકતિને રીકશામાં બેસાડી તેના ખિસ્સામાં રહેલાં 7 હજાર રૂપિયાની તફડંચી કરી હતી.

Next Story