Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઔદ્યોગિક પ્રદુષણથી કપાસના પાકને નુકશાન, ખેડુત સમાજે આપી આંદોલનની ચીમકી

ભરૂચ : ઔદ્યોગિક પ્રદુષણથી કપાસના પાકને નુકશાન, ખેડુત સમાજે આપી આંદોલનની ચીમકી
X

ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક પ્રદુષણના કારણે 70 હજાર હેકટર કરતાં વધારે જમીનમાં વાવેતર કરાયેલાં ખેતીના પાકને નુકશાન થતાં ખેડુતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે. ભરૂચ જિલ્લા ખેડુત સમાજના ઉપક્રમે કોઠી ગામમાં અસરગ્રસ્ત ખેડુતોની બેઠક મળી હતી.

ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક પ્રદુષણથી ખેતીના પાકને નુકશાન થયાનો મુદ્દો તુલ પકડી રહયો છે. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ભરૂચ, વાગરા, આમોદ અને જંબુસર તાલુકામાં ખેડુતો કપાસનું વાવેતર કરે છે. છેલ્લા ઘણા વર્ષોથી કપાસના ફુલ કરમાય જવાની સમસ્યા સામે આવી છે. ચાલુ વર્ષે કપાસના પાકને વ્યાપક નુકશાન થતાં ખેડુતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે. ઘણા ખેડુતો તેમના ખેતરમાંથી કપાસના છોડવા તોડી નાખવા માટે મજબુર બની ગયાં છે.

કપાસના કાનમ પ્રદેશ તરીકે જાણીતા ભરૂચ જિલ્લામાં 70 હજાર હેકટર જમીનમાં પાકને નુકશાન થયું હોવાના આંકડા સામે આવી રહયાં છે. અસરગ્રસ્ત ખેડુતોની મદદે ભરૂચ જિલ્લા ખેડુત સમાજ આવ્યો છે. ભરૂચના કોઠી ગામમાં અસરગ્રસ્ત ખેડુતોને બેઠક મળી હતી. જેમાં ગુજરાત ખેડુત સમાજના પ્રમુખ જયેશ પટેલ, ભરૂચ જિલ્લા ખેડુત સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ કરમરીયા, પર્યાવરણવિદ એમ.એચ.શેખ, ખેડુત અગ્રણીઓ દર્શન નાયક અને કેતન ભટ્ટ સહિતના આગેવાનો હાજર રહયાં હતાં.

પર્યાવરણવિદો તથા ખેડુત આગેવાનોએ ખેતરની મુલાકાત લઇ કપાસના પાકને થયેલાં નુકશાનને નિહાળ્યું હતું. જો સરકાર ખેડુતોને મદદ નહિ કરે અને જવાબદારો સામે પગલાં નહી ભરે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ખેડુત સમાજે આપી છે.

Next Story