Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નગરપાલિકામાં AIMIMના સભ્યોની સંખ્યા બે થઇ, કોંગ્રેસની એક બેઠક ઘટી

ભરૂચ નગરપાલિકામાં એઆઇએમઆઇએમના સભ્યોની સંખ્યા બે થઇ છે. વોર્ડ નંબર 10ની એક બેઠક માટે થયેલી પેટાચુંટણીમાં AIMIMના ઉમેદવારનો વિજય થયો છે.

X

ભરૂચ નગરપાલિકામાં એઆઇએમઆઇએમના સભ્યોની સંખ્યા બે થઇ છે. વોર્ડ નંબર 10ની એક બેઠક માટે થયેલી પેટાચુંટણીમાં એઆઇએમઆઇએમના ઉમેદવારનો વિજય થયો છે. અગાઉ આ બેઠક કોંગ્રેસ પાસે હતી.

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 10ની એક બેઠક તથા ભરૂચ તાલુકા પંચાયતની નિકોરા બેઠક માટે રવિવારના રોજ મતદાન થયું હતું.જેના પરિણામ આજરોજ જાહેર થયાં હતાં. નિકોરા બેઠક જાળવી રાખવામાં ભાજપને સફળતા મળી છે જયારે કોંગ્રેસને નગરપાલિકાની એક બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે. ગત વર્ષે યોજાયેલી નગરપાલિકાની ચુંટણીમાં ભાજપને 32, કોંગ્રેસને 11 અને એઆઇએમઆઇએમને 01 બેઠક મળી હતી. વોર્ડ નંબર 10ના કોંગ્રેસના મહિલા સભ્યનું કોરોનાના કારણે નિધન થતાં પેટાચુંટણી યોજાઇ હતી. પેટાચુંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સાથે અસઉદ્દીન ઓવૈસીની એઆઇએમઆઇએમએ પણ ઉમેદવાર ઉભો રાખ્યો હતો. મંગળવારના રોજ હાથ ધરાયેલી મત ગણતરીમાં એઆઇએમઆઇએમના ઉમેદવાર વિજેતા બન્યાં હતાં. વોર્ડ નંબર 10ના પરિણામોની વાત કરવામાં આવે તો એઆઇએમઆઇએમના ઉમેદવાર પ્રથમ ક્રમે, ભાજપના ઉમેદવાર બીજા ક્રમે અને કોંગ્રેસના ઉમેદવાર ત્રીજા ક્રમે રહયાં છે. આ પરિણામને ઘણું સુચક માનવામાં આવે છે. ગત વર્ષે થયેલી સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોના મત એઆઇએમઆઇએમના ઉમેદવારોને તોડતા તેનો સીધો ફાયદો ભાજપને થયો હતો. લઘુમતી સમાજને કોંગ્રેસની વોટબેંક ગણવામાં આવે છે પણ હવે એઆઇએમઆઇએમ વિકલ્પ બની ઉભરી આવી છે.

Next Story