Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આમોદના માલકીનપુરામાં ભ્રષ્ટાચારી બાબુઓના પાપે ગામનો વિકાસ માત્ર કાગળ ઉપર હોવાનો ગ્રામજનોનો આક્ષેપ..!

ભ્રષ્ટાચાર એટલો ખુલ્લો હતો કે, ગ્રામ પંચાયતમાં ઠરાવ પસાર થયા બાદ કામ કર્યા વિનાજ આમોદ તાલુકા મથકેથી વહીવટી મેળવી કામ કર્યા વિનાજ તેનું બિલ પણ ઉતારી લીધું હતુ.

ભરૂચ : આમોદના માલકીનપુરામાં ભ્રષ્ટાચારી બાબુઓના પાપે ગામનો વિકાસ માત્ર કાગળ ઉપર હોવાનો ગ્રામજનોનો આક્ષેપ..!
X

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માલકીનપુરા ગામ ખાતે તાજેતરમાં યોજાયેલ ગામ પંચાયતની ચૂંટણીમાં સત્તા પરિવર્તન થયું હતું. ચૂંટણી બાદ સત્તા પરિવર્તન થયાના તરત જ નવી ચૂંટાયેલી ગ્રામ પંચાયત બોડીના સરપંચ સહિત તમામ સભ્યો પૂરેપૂરું પરિવર્તન કરવાના મૂડમાં હોય તેમ જોવા મળ્યું હતું. માલકીનપુરા ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોના જણાવ્યા અનુસાર, આગલી પંચાયત એટલે 2017થી 2022 સુધીની જે ગ્રામ પંચાયત બોડી હતી તેઓએ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચાર્યો હોવાનું મીડિયા સમક્ષ નિવેદન આપતા મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.


ભ્રષ્ટાચાર એટલો ખુલ્લો હતો કે, ગ્રામ પંચાયતમાં ઠરાવ પસાર થયા બાદ કામ કર્યા વિનાજ આમોદ તાલુકા મથકેથી વહીવટી મેળવી કામ કર્યા વિનાજ તેનું બિલ પણ ઉતારી લીધું હતુ. જે વાતનો પણ આક્ષેપ સરપંચ સહિત ગ્રામજનોએ કર્યો હતો. માલકીનપુરા ગામ ખાતે 2 ફળીયામાં ગ્રામ પંચાયતમાં ઠરાવ પસાર કરી બંને ફળીયામાં બ્લોક મંજૂર કરવામાં આવ્યા હતા. પરંતુ સરપંચ અને અન્ય સભ્યોના મેળાપીપળામાં જ આ કામ મંજૂર તો થયા પરંતુ કામ કર્યા વિના જ પૈસા ઉપાડી ચાવ કરી ગયા હોવાની બૂમો ઉઠી રહી છે.

ગામના સરપંચ તથા ગ્રામજનોનું કહેવું છે કે, અમે આ બાબતને લઈ લાગતા વરગતા અધિકારીઓનું ધ્યાન પણ દોર્યું છે. પરંતુ તંત્ર તસનું મસ થતું નથી. હાલના સરપંચ અને ગ્રામજનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, 1 ફળીયામાં રૂ. 1,45,000 તેમજ બીજા ફળીયામાં રૂ. 1,25,000ના બ્લોક મંજૂર થયા બાદ આ ભ્રષ્ટાચારી સરપંચ, તલાટી અને સભ્યોની મિલીભગતને લઈને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી ગામને પાછળ લઈ જવાના કાર્યને પાર પડાયું હતું. જોકે, કરાયેલ આક્ષેપ અંગે મીડિયા કોઈ પણ વાતની પુષ્ટિ નથી કરતી. ગ્રામજનોના આક્ષેપ સાચા છે કે, ખોટા એ તપાસનો વિષય છે. હવે જોવાનું એ રહ્યું કે, શું જૂના સરપંચ, સભ્યો અને તલાટી વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે કે, પછી તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચુપની ઉક્તિ સાકાર થશે તે તો આવનાર સમય જ બતાવશે તેમ લાગી રહ્યું છે.

Next Story