Connect Gujarat
ભરૂચ

સુરત અને ભરૂચમાં 3-4 ડિસેમ્બરે યોજાનારી LRD, PSIની પરીક્ષા મોકૂફ, જાણો શું છે કારણ

ગુજરાતમાં આવનાર દિવસોમાં ખુબ મોટા પ્રમાણમાં પોલીસ વિભાગમાં ભરતીઓ થવા જઈ રહી છે. જેને લઈને પરીક્ષાઓમાં ભાગ લેનાર યુવાઓ પણ દિવસ-રાત પરસેવો પાડીને પરિક્ષાની તૈયારી કરી રહ્યા છે.

સુરત અને ભરૂચમાં 3-4 ડિસેમ્બરે યોજાનારી LRD, PSIની પરીક્ષા મોકૂફ, જાણો શું છે કારણ
X

ગુજરાતમાં આવનાર દિવસોમાં ખુબ મોટા પ્રમાણમાં પોલીસ વિભાગમાં ભરતીઓ થવા જઈ રહી છે. જેને લઈને પરીક્ષાઓમાં ભાગ લેનાર યુવાઓ પણ દિવસ-રાત પરસેવો પાડીને પરિક્ષાની તૈયારી કરી રહ્યા છે. જોકે આજરોજ સુરત અને ભરૂચમાં LRD અને PSIની શારીરિક કસોટીને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. કમોસમી વરસાદને કારણે સુરત અને ભરૂચમાં 3 ડિસેમ્બર અને 4 ડિસેમ્બરે પરીક્ષા યોજાવાની હતી જે હવે મોકૂફ રાખવામાં આવી છે. ઉમેદવારોની શારીરિક પરીક્ષા માટે નવી તારીખો જાહેર થશે.

લોક રક્ષક દળ ભરતી બોર્ડના પ્રમુખ આઈપીએસ હસમુખ પટેલે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, 'કમોસમી વરસાદના કારણે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ તથા SRPF ગૃપ-૧૧, વાવ-સુરત ખાતે પો.સ.ઇ./લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અને તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. ઉમેદવારોને શારિરીક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.'

બુધવારે દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો સર્જાયો હતો. સુરત અને ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. સુરત શહેરમાં મોડી રાતથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાંદેર, અડાજણ, ઉધના, વરાછા સહિત વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. જ્યારે, ભરૂચ શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ભરૂચના અંકલેશ્વર, નેત્રંગ, દહેજમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો.

Next Story