Connect Gujarat
Featured

ભાવનગર : સમઢીયાળા ખાતે 71મો વન મહોત્સવ યોજાયો, 1111 રોપાઓનું વાવેતર કરી વૃક્ષરથનું પ્રસ્થાન કરાવાયું

ભાવનગર : સમઢીયાળા ખાતે 71મો વન મહોત્સવ યોજાયો, 1111 રોપાઓનું વાવેતર કરી વૃક્ષરથનું પ્રસ્થાન કરાવાયું
X

ભાવનગર જિલ્લા કક્ષાનો 71મો વન મહોત્સવ ઘોઘા તાલુકાના સમઢીયાળા ગામ ખાતે શિક્ષણ, મહિલા અને બાલ કલ્યાણ રાજ્યમંત્રી વિભાવરી દવેના અધ્યક્ષસ્થાને તથા સાંસદ ડો. ભારતી શિયાળની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. જ્યાં 1111 રોપાઓનું વાવેતર કરી વૃક્ષરથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

71માં વન મહોત્સવને ખુલ્લો મુકતા રાજયમંત્રીએ જણાવ્યું હતું કે, વૃક્ષનું જતન એ યજ્ઞ સમાન છે. હરિયાળું વન એ તમામ પશુ-પક્ષી તથા માનવ જીવન માટે અનેકરૂપે લાભદાયી છે. ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં હરિયાળા જિલ્લાઓમાં અગ્રીમ પંક્તિમાં છે. તેનું કારણ સરકારના વન મહોત્સવ સહિતના કાર્યક્રમો છે. વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરી હરીયાળું ગુજરાત, હરિયાળું ભાવનગર બનાવવાના ધ્યેયને પરિપૂર્ણ કરવા સૌને સહભાગી થવા અપીલ કરાઇ હતી. વન મહોત્સવની ઉજવણી સાથે વૃક્ષોની માવજત કરવી પણ એટલી જ જરૂરી છે. તો જ સાચા અર્થમાં વન મહોત્સવની ઉજવણી સાર્થક થશે.

અધિક અગ્ર અગ્ર મુખ્ય વન સંરક્ષક એસ.પી.સીસોદીયાએ જણાવ્યું હતું કે, સને 2021-22ના વર્ષ માટે સામાજીક વનીકરણ વિભાગ બોટાદને કુલ 29.00 લાખ રોપા ઉછેરનો લક્ષ્યાંક ફાળવણી કરવામાં આવેલ. જેમાંથી 14.63 લાખ ખાતાકિય નર્સરીમાં તેમજ ડી.સી.પી. નર્સરીમાં 5.10 લાખ રોપાઓ ઉછેર કરવામાં આવનાર છે. વર્ષ 2019-20ના વર્ષમાં વન વિભાગની ખાતાકિય તેમજ ડી.સી.પી. નર્સરીમાં 33.77 લાખ રોપા ઉછેર કરેલ. જેમાંથી ખેડુતો, શાળાઓ, ગ્રામ પંચાયત તથા અન્ય સરકારી-બિન સરકારી સંસ્થાઓને કુલ 31.04 લાખ રોપા વિના મુલ્યે વિતરણ કરવામાં આવેલ તેમજ 2.73 લાખ રોપાઓનું રાહતદરે વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત કોરોના પ્રતિરોધક ઔષધિય વૃક્ષરથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયુ હતું. સમઢીયાળા ગૌ-શાળા ખાતે રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તરૂપૂજન કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જયારે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યક્રમના સ્થળે ઉપસ્થિત થનાર મહેમાનોનું થર્મલ ગનથી શરીરનું તાપમાન, ઓક્સીમીટરથી શરીરમાં રહેલા ઓક્સિજનની માત્રાની તપાસ તેમજ હેન્ડ સેનેટાઇઝ કરવાની વ્યવસ્થા ઉભી કરાઇ હતી. આયુર્વેદિક વિભાગ દ્વારા ઉકાળાનું પણ વિતરણ કરાયું હતું. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સાંસદ ભારતી શિયાળ, જિલ્લા પંચાયતના પ્રમુખ વકતુ મકવાણા, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, નાયબ વન સંરક્ષક ડો. સંદિપ કુમાર, એ.સી.એફ., પાંજરાપોળના ટ્રસ્ટીઓ સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

Next Story