Connect Gujarat
Featured

ભાવનગર : રાજ્યમંત્રી વિભાવરીબેન દવે દ્વારા ૧૦૧ વૃક્ષોનું વાવેતર કરી વિકાસ સપ્તાહના છઠ્ઠા દિવસની ઉજવણી કરાઈ

ભાવનગર : રાજ્યમંત્રી વિભાવરીબેન દવે દ્વારા ૧૦૧ વૃક્ષોનું વાવેતર કરી વિકાસ સપ્તાહના છઠ્ઠા દિવસની ઉજવણી કરાઈ
X

ભાવનગરવાસીઓને વિકાસના વિવિધ પ્રકલ્પો ભેટ આપવા રાજ્યમંત્રી વિભાવરીબેન દવે દ્વારા વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. જેના છઠ્ઠા દિવસે સરદારનગરથી ભરતનગર સુધીના માર્ગ પર ૧૦૧ વૃક્ષોનું પ્રતિકરૂપે વાવેતર કરવામાં આવ્યું હતું. ગ્રીનસીટી ભાવનગરના સંકલ્પને પરિપૂર્ણ કરવા આગામી સમયમાં સમગ્ર ભાવનગરમાં ૧૦૦૧ વૃક્ષો ઉછેરવાનું કાર્યક્રમ હેઠળ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.

આ પ્રસંગે રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૮ થી જ ભાવનગર શહેર હરિયાળું શહેર બને તે માટે દર વર્ષે ૧૦૦૮ વૃક્ષો રોપવાની નેમ વ્યક્ત કરી હતી. જેના ફળ સ્વરૂપે આજે રાજ્યના બીજા ક્રમનુ સૌથી હરિયાળું ભાવનગર આપણે જોઇ શકીએ છીએ.

રાજ્યમંત્રીએ ઉપસ્થિત આગેવાનો તથા વોર્ડ પ્રતિનિધિઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે જો સૌ સાથે મળી નક્કી કરીશું કે દરેક વિસ્તારમાં વધુમાં વધુ વૃક્ષો રોપી અને તેનુ જતન કરવુ છે તો એ સમય દુર નથી કે સમગ્ર રાજ્યમાં ભાવનગરનો ગ્રીનસીટી તરીકે પ્રથમ ક્રમાંક હોય. પાણી અને ઓક્સિજન કુદરત દ્વારા માનવીને અપાયેલ દુર્લભ ભેટ છે. જેને કિંમતમાં મુલવવું શક્ય નથી ત્યારે વૃક્ષો એકમાત્ર એનું માધ્યમ છે. જે આપણી આ બન્ને જરૂરિયાત આપણને વિનામૂલ્યે પૂરી પાડે છે ત્યારે તેનુ જતન કરવુ એ આપણી નૈતિક જવાબદારી છે અને તેથી જ સૌપ્રથમ ચૂંટાયા બાદ આરોગ્ય અને સુરક્ષાની સાથે સાથે સૌથી વધુ મેં વૃક્ષારોપણને પ્રાધાન્ય આપ્યું છે.

કોરોના અંતર્ગત ઇન્જેક્શન, ઓક્સિજન, દવાઓ, સાધનો સહિતની કોઈપણ બાબતે ભાવનગરની હોસ્પિટલોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે તેમજ ખૂબ ટૂંકા સમયમાં ભાવનગર શહેરની મોટાભાગની વસતીને સ્પર્શતા કંસારા નાળાના પ્રશ્નનું પણ નિરાકરણ લાવવામાં આવશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે મેયર મનહરભાઈ મોરી, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ તથા વનરાજસિંહ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરાયું હતું. મહેમાનોનું શાબ્દિક સ્વાગત ગાર્ડન સમિતીના ચેરમેન કે.કે.ગોહિલ તથા આભારવિધી આઈ.સી.ડી.એસ.ના પ્રોજેક્ટ ઓફિસર સાવિત્રીબેન નાથ દ્વારા કરાઈ હતી.

આ પ્રસંગે ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિલેશ રાવલ, આરોગ્ય સમિતિના ચેરમેન રાજુભાઈ રાબડીયા, પૂર્વ મેયર નિમુબહેન બાંભણીયા તથા નરેન્દ્રભાઈ ચાવડા તેમજ વિસ્તારના આગેવાનો, આંગણવાડી કાર્યકરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Next Story