Connect Gujarat
Featured

ભાવનગર : 1 લાખથી વધુ લોકોએ ધન્વંતરી આરોગ્ય રથનો લાભ લીધો, વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ધન્વંતરી રથની કરી પ્રસંશા

ભાવનગર : 1 લાખથી વધુ લોકોએ ધન્વંતરી આરોગ્ય રથનો લાભ લીધો, વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ધન્વંતરી રથની કરી પ્રસંશા
X

વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ કોરોના વૈશ્વિક મહામારીને નિયંત્રિત કરવા માટે ધન્વંતરી આરોગ્ય રથની કામગીરીની પ્રસંશા કરી છે, ત્યારે રાજ્ય સરકારના સહયોગથી આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા ‘ધન્વંતરી આરોગ્ય રથ’ દ્વારા ગ્રામજનોના અને નગરપાલીકા વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે કાળજી લેવામાં આવી રહી છે.

જેમાં ઘર આંગણે વિનામૂલ્યે આરોગ્ય નિદાન અને સારવાર સેવા આપતા 44 જેટલા ‘ધન્વંતરી આરોગ્ય રથ’ દ્વારા ગ્રામ્ય તેમજ નગરપાલીકાના વિવિધ વિસ્તારોમાં જઇ કુલ 1,04,180થી વધુ લોકોને આરોગ્યલક્ષી સારવાર આપવામા આવી છે. જેમાં 1,04,180 વ્યકિતઓની ઓ.પી.ડી, તાવના 5584 અને અન્ય બિમારીના 69685 કેસ મળી આવ્યાં છે.

ભાવનગર જીલ્લામાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યકિતઓની SPO2ની ચકાસણી કરવામાં આવી રહી છે. વહેલુ નિદાન, ત્વરિત સારવારના સિધ્ધાંત મુજબ શંકાસ્પદ દર્દીઓની એન્ટીજન ટેસ્ટ કીટ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે. જરૂરીયાત જણાયે દર્દીઓને સત્વરે રીફર કરવામાં આવે છે. અત્યાર સુધીમા ધન્વંતરી રથ દ્વારા 777 એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા છે. રોગ પ્રતિકારશક્તિ વર્ધક હોમિયોપેથી દવા, આર્સેનીક આલ્બમ, આયુર્વેદિક દવા-સંશમની વટી તેમજ 23895 વ્યક્તિઓને આયુર્વેદિક ગુણકારી ઉકાળાનું જીલ્લા આયુર્વેદ અધિકારીના સંકલન દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યુ છે.

પ્રવર્તમાન સ્થિતિમાં શહેરીજનોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે શહેરના મોટા ભાગના વિસ્તારોને આવરીને ‘ધન્વંતરી આરોગ્ય રથ’ સેવા કાર્યરત છે. કોરોના વાયરસના લક્ષણો ધરાવતા વ્યકિતને સરળતાથી શોધી તેમને સમયસર સારવાર આપવાની સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.

આરોગ્ય સેતુ એપ્લીકેશન દ્વારા હોટ સ્પોટની માહિતી મેળવી તેમજ એક્ટીવ કેસ વાળા વિસ્તારોમાં પણ ધન્વંતરી રથને પ્રાથમિકતાના ધોરણે મોકલવામાં આવે છે. સાથે સાથે તમામ ધન્વંતરી રથમાં માઇક-એનાઉન્સમેન્ટ સીસ્ટમ દ્વારા લોકોને કોરોના વાયરસથી બચવાના ઉપાયો પણ જણાવવામાં આવી રહ્યા છે. હોમ આઇસોલેશનવાળા દર્દીઓના કન્ટેનમેન્ટ વિસ્તારની પણ મુલાકાત લેવામાં આવી રહી છે. જેનો લાભ લેવા જીલ્લા વિકાસ અધિકારી અને જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Next Story