ભાવનગર : ગુજરાતનો એક કીમીનો વિસ્તાર એવો નથી જયાં પોટલી ન મળતી હોય

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોટે ગુજરાતમાં દારૂબંધી અંગે કરેલા નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ધમાસાણ મચ્યું છે તેવામાં પુર્વ મુખ્યમંત્રી અને એનસીપીના અગ્રણી શંકરસિંહ વાઘેલાએ આ મુદે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં એક કીમીનો વિસ્તાર એવો નથી કે જયાં દારૂની પોટલી ન મળતી હોય….
ભાવનગર સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પુજન કરવામાં આવ્યું અને શહેરના ગાયત્રી મંદિરેથી નવાપરા ક્ષત્રિય સમાજ બોડિંગ સુધી બાઇક રેલી યોજવામાં આવી. ક્ષત્રિય સમાજના લોકો માથે સાફા પહેરી હાથમાં તલવાર લઇ સાથે બાઇક રેલીમાં જોડાયાં હતાં. કાર્યક્રમમાં ભાવનગરના યુવરાજ તેમજ ક્ષત્રિય સમાજ ના આગેવાનો અને ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતાં. તેમણે પણ હાલમાં ગુજરાતમાં દારુબંધી અંગે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં ઝંપલાવ્યું હતું. તેમણે રાજયમાં દારૂબંધીના મુદે સરકાર પર નિશાન તાકતા જણાવ્યું હતું કે, રાજયમાં એક કીલોમીટરનો વિસ્તાર એવો નથી કે જયાં તમને દારૂની પોટલી ન મળતી હોય. અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોટે ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે તેવું નિવેદન આપી વિવાદનો મધપુડો છંછેડયો છે.