Connect Gujarat
Featured

ભાવનગર : મહિલાઓ આત્મનિર્ભર બને તે હેતુસર લોંગડી ગામે રાજ્યનું સૌપ્રથમ “સખી સંઘ કાર્યાલય” શરૂ કરાયું

ભાવનગર : મહિલાઓ આત્મનિર્ભર બને તે હેતુસર લોંગડી ગામે રાજ્યનું સૌપ્રથમ “સખી સંઘ કાર્યાલય” શરૂ કરાયું
X

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકાર પુરસ્કૃત ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. હેઠળની એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના લોંગડી ગામ ખાતે રાજ્યના સૌપ્રથમ સખી સંધ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય અધિકારીઓ દ્વારા રૂપિયા 28 લાખનું સી.આઈ.એફ. અને રૂપિયા 30 લાખનું સી.સી.ડિસ્ટર્બસમેન્ટ મળી કુલ રૂપિયા 58 લાખની સહાય આ પ્રસંગે મંજૂર કરાઈ હતી. સખી સંઘ કાર્યાલય હેઠળ મહુવા તાલુકાના વિવિધ સખી મંડળોની 1660થી વધુ બહેનો જોડાઈ હતી. જે બહેનો આર્થિક રીતે પગભર બની આત્મનિર્ભર બને તે હેતુથી એન.આર.એલ.એમ. યોજના હેઠળ રૂપિયા 28 લાખનું વિના વ્યાજનું ધિરાણ અપાયું હતું. આ ક્લસ્ટર લેવલ ફેડરેશનનું સંપૂર્ણ સંચાલન સખી મંડળની બહેનો દ્વારા જ કરવામાં આવનાર છે.

આ પ્રસંગે વધુમાં વધુ બહેનોને સખી મંડળમાં જોડાવાની અપીલ કરતાં જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બારનવાલે જણાવ્યુ હતું કે, જો મહિલાઓ આત્મનિર્ભર હશે તો જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓનો તેઓ સરળતાથી સામનો કરી શકશે તેમજ આપ સૌને આત્મનિર્ભર તેમજ આર્થિક રીતે સક્ષમ જોઈ આવનારી નવી પેઢીને પણ પ્રેરણા મળશે. મહિલાઓ ઓદ્યોગિક ક્ષેત્રે આગળ વધે અને પગભર બને તે હેતુથી આ ધિરાણ આપવામાં આવ્યું છે, તેમ જણાવી ગ્રામીણ લોકો શહેરીઓની તુલના કરી શકે તેવું વાતાવરણ નિર્માણ કરવા આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા અને બાળ વિકાસ અધિકારી કે.વી.કાતરીયા, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર જાગૃતિબેન, નાબાર્ડ ડી.જી.એમ. દિપકકુમાર ખલાસ, મહુવા તાલુકા વિકાસ અધિકારી, ડી.એલ.એમ., એન.આર.એલ.એમ. અને પીડીલાઈટની ટીમ અને સમર્થન ક્લસ્ટર ફેડરેશનના 500થી વધુ બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.

Next Story