ભરૂચ : બાડાબેડા નજીક ખાડીના પાણીમાં બાઇક સાથે તણાયો હતો યુવક, બીજા દિવસે મળ્યો મૃતદેહ

New Update
ભરૂચ : બાડાબેડા નજીક ખાડીના પાણીમાં બાઇક સાથે તણાયો હતો યુવક, બીજા દિવસે મળ્યો મૃતદેહ

ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના બાડા બેડા ગામ નજીકથી પસાર થતી ખાડીના નાળા પર મોટરસાયકલ લઈને પસાર થતો એક યુવક પાણીમાં તણાઈ જતા લાપત્તા થયો હતો. ગ્રામજનોએ ખાડીના પાણીમાં શોધખોળ કરતા મોટરસાયકલ મળી આવી હતી, જ્યારે યુવકની શોધખોળ કરતાં બુધવારની સવારે તેનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ઝઘડીયા તાલુકાના લીંભેટ ગામે રહેતો 38 વર્ષીય મહેશ વસાવા ગત તા. 16મી ઓગષ્ટના રોજ પોતાની મોટરસાયકલ લઈ અંકલેશ્વર જીઆઇડીસીમાં નોકરી માટે આવ્યો હતો. જે રાત્રે ફરજ બજાવી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમ્યાન વાલીયા તાલુકાના બાડાબેડા ગામ નજીક ખાડીના નાળા ઉપરથી પસાર થતી વેળા પાણીના પ્રવાહમાં મોટર સાયકલ સાથે તણાઈ ગયો હતો.

સમગ્ર મામલે પરિવારજનોએ શોધખોળ શરૂ કરતા તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. છેવટે ગામના સ્થાનિક તરવૈયાઓએ ખાડીના પાણીમાં શોધખોળ કરતા તેની મોટરસાયકલ મળી આવી હતી. બનાવની જાણ વાલિયા પોલીસ મથકે થતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક દોડી આવ્યો હતો. જેમાં સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ લાપત્તા મહેશ વસાવાની શોધખોળ શરૂ કરતા બુધવારના રોજ સવારે મૃતક મહેશ વસાવાનો મૃતદેહ મળી આવ્યો હતો.

Latest Stories