Connect Gujarat
બ્લોગ

"બીજીમા સિનેમા: ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ"

બીજીમા સિનેમા: ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ
X

“ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ” જોવું પડે જ ! અરવિંદ દિવેટીયા (સિદ્ધાર્થ રાંદેરિયા), ખગેશ દિવેટીયા (જીમીત ત્રિવેદી) અને એજન્ટ વિક્રાંત વાઘમારે (જયેશ મોરે) એ કમાલ કરી છે, ધમાલ મચાવી છે. ચંદ્રીકા સાસુમાં એન.આર.આઈ. (પૂર્વી વ્યાસ), ઈન્દુ (અરવિંદની પત્ની : તેજલ વ્યાસ) અનિલ માંગે (અનિલ ચરણજીત)નો અભિનય ફિલ્મના અંત સુધી જકડી રાખે છે.

“ઓઢણી ઓઢુ ઓઢુને ઉડી જાય” ગીત જુદી જ રીતે દર્શાવવામાં આવ્યું છે. પહેલી ગુજરાતી ફિલ્મ જેમાં એક પણ ગરબો કે રાસ નથી. ગુજરાતી કેહવતોનો રાફડો છે. એ માટે સિદ્ધાર્થ રાંદેરિયા અને જીમીત ત્રિવેદીનું ટાઈમીંગ દાદ માંગી લે છે. “હવે તારો વારો !” એમ કહીને ખો આપતા આ પાત્રો ઈન્સ્ટંટ પ્લોટ બનાવી ફિલ્મને ગજબના વળાંક આપે છે.

એક અમદાવાદી, બિલ્ડર બને, એને કોઈ બનાવે, એની દાનત સારી, સંજોગો એવા એક પછી એવા બને કે એ ‘ઈસકી ટોપી ઉસકે સરની’ જેમ ગરબડ ગોટાળા, ધમપછાડા કરે.

‘ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ’ સાચા અર્થમાં મોસ્ટ વોન્ટેડ બને. ફિલ્મના અંતે પદ્મશ્રી અવોર્ડ સન્માનિત થાય એ ફિલ્મનો ક્લાયમેક્ષ છે. દેશપ્રેમ અમદાવાદીમાં ક્યારે જાગે જ્યારે ખરેખર ! એના દિલમાં વંદે માતરમ્ ની સરવાણી ફૂટે. જાનના જોખમે એ ભાગે, લડે, દોડે, જેમ્સ બોન્ડનો એની કાયામાં પરકાયા પ્રવેશ થાય. ‘કરેંગે યા મરેંગે’ સૂત્રને સાકાર કરીને જ ઝંપે.

સાગર દેસાઈ, અદ્રેત નિમલેકર, પાર્થ ભરત ઠક્કરની જોડીએ સંગીત આપ્યું છે. તુષાર પારેખનું એડિટીંગ, ગીતકાર નીરેન ભટ્ટ, નિર્માતા, સહ-નિર્માતા છ જણાનું ગણતરી પૂર્વક સાહસ છે. અક્ષય, ધવલ, કૃષાલ બધાની અટક ગડા. નીરજ ગાલા, સૂરજ ગુપ્તા અને રેશમા કડકિયા.

કચ્છની ધરતી પર દિવસે કાલઝાળ ગરમી અને રાતે કડકડતી ઠંડીમાં ‘ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ’નું ફિલ્માંકન થયું એની વાતો તો સિદ્ધાર્થભાઈ નાટક લઈને ભરૂચ આવે ત્યારે ‘આવો મળીએ...’માં કરીશું જ. મોબાઈલ પર આપણે કરેલી વાતો સાંભળી મારા રૂંવાટા ખડા થઈ ગયા હતા. અભિનય રંગમંચ પર કરવો અને એક, બે, ત્રણ, ચાર કેમેરા સામે કરવો એ પણ ક્યાં, કેવી પરિસ્થિતિમાં કરવાનો, ખાવા, પીવા, સૂવા, ઓઢવા, પાથરવાનો પડકાર અને કોમેડી ફિલ્મનું શુટીંગ લોઢાના ચણા ચાવવા જેવું કપરૂ કામ ગુજરાતી કરેને ત્યારે ૩૬ની છાતી ૫૬ની થયા વિના રહે નહિં, જય હો નમો. એમની ઝલક પણ જોવા મળશે.

દિગ્દર્શક ઈશાન રાંદેરિયા, સિદ્ધાર્થ રાંદેરિયાનો પુત્ર છે. એને બકાયદા તાલીમ લીધી છે. આંત્રપ્રિનિયોર (ઉદ્યોગસાહસિક)માં હોય એવા ગુણ છે, અને પિતા સિદ્ધાર્થભાઈનો મજબૂત ખભો છે, એટલે ગુજરાતી ફિલ્મોનું ભવિષ્ય ઉજળું છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના શ્રુતિ જામ્ભેકરે પાંચ માંથી ચાર સ્ટાર આપ્યા છે, ‘ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ’માં દમ છે. સહપરિવાર માણી શકાય એવી ફિલ્મ છે. ગરવી ગુજરાતની સવા કરોડ જનતાનું ગૌરવ છે. આ બ્લોગ વાંચીને કોમેન્ટ લખવાનો હવે તમારો વારો...

Next Story