Connect Gujarat
બિઝનેસ

એક અઠવાડિયામાં સોનાના ભાવમાં 810 રૂપિયાનો ઉછાળો

એક અઠવાડિયામાં સોનાના ભાવમાં 810 રૂપિયાનો ઉછાળો
X

સોના-ચાંદીની કિંમતમાં છેલ્લા થોડા દિવસોથી વધારો જોવા મળ્યો હતો. જેને પગલે છેલ્લા એક જ અઠવાડિયામાં સોનાની કિંમતમાં 810 રૂપિયાનો વધારો થયો છે. કાલે એટલે કે શુક્રવારે સોનાની કિંમતમાં 0.25%નો વધારો જોવા મળ્યો હતો. જેના પગલે ભાવ 47,286 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગઈ છે. જ્યારે ચાંદીના ભાવમાં 0.19%ની સામાન્ય તેજી જોવા મળી છે.

એક અઠવાડિયા પહેલા કિંમત હતી 46,476 રૂપિયા : જો એક અઠવાડિયા પહેલાની વાત કરીએ તો 13 ઓગસ્ટના રોજ સોનાની કિંમત 46,476 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત 62,044 રૂપિયા પ્રતિ 1 કિલોગ્રામ હતી. જ્યારે ગઈકાલે સોનાની કિંમતની વાત કરીએ તો 47,286 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, જ્યારે ચાંદીનો ભાવ 62,251 રૂપિયા પ્રતિ એક કિલોગ્રામ હતો.

સોનું રેકોર્ડ સ્તરથી 9,000 રૂપિયા સસ્તું : MCX પર ઓગસ્ટ 2020માં 10 ગ્રામ સોનાનો ભાવ આશરે 56,200 રૂપિયાની સપાટી પર પહોંચ્યો હતો. એ રીતે જોઈએ તો સોનું હજુ પણ તેની રેકોર્ડ કિંમતથી 9,000 રૂપિયા સસ્તુ છે.

50,000 રૂપિયા સુધી ભાવ થવાની સંભાવના: નિષ્ણાતોનું માનવું છે કે બહુ ઝડપથી સોનાની કિંમત 50 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે. આથી રોકાણ માટે આ ઉત્તમ સમય છે. જો કોઈ રોકાણકારે પહેલાથી જ સોનું ખરીદી રાખ્યું છે તો તેમને હોલ્ડ કરવાની સલાહ નિષ્ણાતો તરફથી આપવામાં આવી છે.

24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

Next Story