છોટાઉદેપુર : કવાંટ ગામે લોખંડના દરવાજાની ફ્રેમ વીજ વાયર સાથે અડી, વાંચો કેવી સર્જાઈ કરુણાંતિકા

છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ ગામે મકાનની નજીકથી પસાર થતી વીજ લાઇનને લોખંડના દરવાજાની ફ્રેમ સ્પર્શી જતાં કરંટ લાગવાની ઘટનામાં બે કામદારોનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, મૂળ મહીસાગર જિલ્લાના વાઢેલા ગામના વતની રમેશ કટારા, વિક્રમ કટારા, કનુ કટારા અને મુકેશ કટારા કે
જેઓ એક જ પરિવારના એકબીજાના સગા છે, હાલ તેઓ કવાંટ ગામે
શૈલેષ મહારાજના ઘરે રહે છે. ચારેયને રસોઈ કામ આવડતું હોવાથી ચાલી રહેલ લગ્નસરાની
સિઝનમાં રસોઈના ઓર્ડર મુજબ રસોઈયા તરીકે કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે, ત્યારે બપોરના સુમારે વિક્રમ કટારા અને કનુ કટારા મકાનના પરચુરણ સામાન
સહિત લાકડા અને લોખંડના બારી-બારણાંની ફ્રેમને ધાબા ઉપર ચઢાવવાનું કામ કરતાં હતા. એક લોખંડના દરવાજાની ફ્રેમ મોટી હોવાથી તેને મકાનની પાછળના ભાગેથી દોરડા
વડે બાંધી ઉપર ચઢાવતા હતા, તે દરમ્યાન મકાનના નજીકથી
પસાર થતી વીજ લાઇનને લોખંડના દરવાજાની ફ્રેમ સ્પર્શી જતાં વિક્રમ કટારા અને કનુ
કટારાને વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતાં જ બન્નેનું ઘટના સ્થળે મોત નીપજ્યું
હતું. વીજ કરંટ લાગવાની જાણ મકાનમાં રહેતા રમેશ કટારા અને મુકેશ કટારા સહિત
આસપાસના સ્થાનિકોને થતાં ઘટના સ્થળે લોકોના ટોળાં વળ્યા હતા. હાલ કવાંટ પોલીસે વીજ
કરંટ લાગવાની ઘટનામાં વિક્રમ કટારા અને કનુ કટારાનું મોત થતાં બન્નેના મૃતદેહને
પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી અકસ્માતે થયેલ મોત નોંધી આગળની વધુ કાર્યવાહી
હાથ ધરી છે.