છોટા ઉદેપુર : જિલ્લાના એવા ગામો કે જે ચોમાસામાં પણ રહે છે તરસ્યાં

ઉનાળામાં આપણે પીવાના પાણીના વલખા મારતા લોકો ને જોયા હશે પણ છોટા ઉદેપુર જિલ્લાના કેટલાક એવા પણ ગામ છે કે જ્યાં લોકો ભર ચોમાસે પીવના પાણી માટે તકલીફ વેઠી રહ્યાં છે.
બોડેલી તાલુકામાં આવેલા કેટલાય ગામ એવા છે, જેમાં રહેતા લોકો આજે બે બેડા પીવાનું પાણી મેળવવા જીવને પણ જોખમમાં મૂકી રહયા છે. સારા વરસાને લઈ નદી નાળા છલકાયા છે. જોજવા ગામ પાસે વર્ષો પહેલા બનાવવામાં આવેલો ઓરસંગ નદી ઉપરનો આડ બંધ પણ ઓવર ફ્લો થયો છે પણ આજ વિસ્તારના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહયા છે. જોજવા, જવેરપુરા, હરીપુરા સહિતના ગામોમાં હેન્ડ પંપ તો છે પણ તેના પાણી પીવા લાયક રહ્યા નથી. ગામના લોકો જોજવા ગામ પાસે આવેલ ઓરસંગ નદી પરના આડબંધની નીચે જીવના જોખમે ઉતરી પાણી મેળવે છે. પીવાના પાણી માટે મહિલાઓ વેરી ખોદે છે, તો કેટલીક મહિલાઓ આ ચેક ડેમમાંથી લીકેજ થઈ રહેલા પાણી પાંદડું મૂકીને મેળવી રહ્યા છે. કલાકો સુધી રાહ દેખે ત્યારે બે બેડા જેટલું પાણી મેળવે છે. પાણી ભરવા આવતી વૃધ્ધ મહિલાઓને સેવાભાવી લોકો પોતાની બાઇક પર બેસાડી લાવે છે. ગામની કિશોરીઓનો અભ્યાસ પણ પીવાના પાણી માટે બગડી રહયો છે. આડ ડેમનું પાણી નિરર્થક વહી જાય છે, ત્યારે આ પાણી ગામલોકોને પીવા માટે મળે તેવી વ્યવસ્થા કરવા લોકો માંગ કરી રહ્યા છે.