Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર : "ફિલ ધ બોટલ ચેલેન્જ", પ્લાસ્ટિકના બોટલમાંથી તૈયાર કરવામાં આવી રહ્યું છે મકાન

છોટાઉદેપુર : ફિલ ધ બોટલ ચેલેન્જ, પ્લાસ્ટિકના બોટલમાંથી તૈયાર કરવામાં આવી રહ્યું છે મકાન
X

પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા માટે છોટાઉદેપુર જિલ્લામાં એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા ભેગી કરાયેલી પ્લાસ્ટિક બોટલનો ઈંટની જગ્યાએ ઉપયોગ કરી સરકારી કચેરીમાં એક મકાન બનાવવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવાના આહવાનની દિશામાં છોટાઉદેપુર જિલ્લાના વહીવટી તંત્રએ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાએ ક્યારેય નાશ ન થતા એવા ફેંકી દેવાયેલ પ્લાસ્ટિકને ઉપયોગમાં લઈ પ્રદૂષણ અટકાવવાનો પ્રયાસ કર્યો છે. પાવીજેતપુર તાલુકા સેવાસદન કચેરીના પટાંગણમાં ઈંટની જગ્યાએ પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરી એક ઓરડાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ઓરડાના બાંધકામમાં જરૂરી પ્લાસ્ટિકની બોટલો ભેગી કરવા "ફિલ ધ બોટલ ચેલેન્જ" નામની સ્પર્ધા રાખવામાં આવી છે. આ એવી સ્પર્ધા છે જેમાં પ્લાસ્ટિકની ફેંકી દેવાયેલી બોટલોમાં પ્લાસ્ટિકના કચરાને ભરવામાં આવે છે. જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્લાસ્ટિક પ્રદૂષણથી થતા પર્યાવરણને નુકશાન અંગે માહિતગાર કરવામાં આવે છે. બાળકો ગામમાં પોતાની આસપાસના પ્લાસ્ટિકના કચરાને બોટલમાં ભરે છે, ત્યાર બાદ તંત્ર દ્વારા આ બોટલોનો ઉપયોગ ઈંટની જેમ ઉપયોગ કરવામાં આવે છે.

પાવીજેતપુર તાલુકા સેવા સદનના ગેટ પાસે બની રહેલ પ્લાસ્ટિકના ઘરમાં અત્યાર સુધી ૮૦૦૦ જેટલી પ્લાસ્ટિકની બોટલો અને ૫૦૦ કિલોગ્રામ જેટલું પ્લાસ્ટિક વાપરવામાં આવ્યુ છે. ફિલ ધ બોટલ ચેલેન્જથી બાળકોમાં પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતતા આવી છે, તો તંત્રના નવતર અભિગમને જિલ્લાના લોકો બિરદાવી રહ્યા છે, જ્યારે વહીવટી તંત્ર દ્વારા આ અભિયાનને વધુ વેગ આપવા બાળકો સાથે વડીલો પણ જોડાય તેવા પ્રયત્નો હાથ ધરાયા છે.

Next Story