છોટાઉદેપુર : એક ગામમાં પ્રેમ કરવાની યુવતીને મળી તાલીબાની સજા

આજના મોબાઇલ યુગમાં રોજબરોજ નીતનવા વીડીયો વાઇરલ થતાં હોય છે ત્યારે વધુ એક વીડીયોએ ચકચાર જગાવી છે. છોટાઉદેપુર નજીક મધ્યપ્રદેશની સરહદે આવેલાં ટેમાચી ગામમાં એક યુવતીને ગામલોકો સોટીથી ફટકારતા હોવાનો ઘટના સામે આવી છે. યુવતીને તેના જ ગામના યુવાન સાથે પ્રેમ થયો હતો અને પ્રેમી પંખીડા ભાગી જાય તે પહેલા જ ગામલોકોએ ભેગા મળી યુવતીને તાલીબાની સજા આપી હતી.
મધ્યપ્રદેશના ટેમાચીમાં 19 વર્ષીય યુવતીને ગામમાં ફેરવી સોટીથી બેરહેમીથી ફટકારી સજા આપતો વિડીયો વાયરલ થયો છે. વિડિયોમાં જે યુવતી છે તેને તેના ગામમાં જ એક યુવક સાથે પ્રેમ થયો હતો. અને બંને ભાગીને લગ્ન કરવાનું પણ નક્કી કર્યું હતું. પરંતુ ગામ લોકોને ખબર પડી ગઇ હતી. યુવતીનું ગામમાં સરઘસ કાઢીને સોટીથી માર મારવામાં આવ્યો હતો. યુવતીને માર મારવામાં આવી રહયો હતો ત્યારે લોકો તમાશો જોઇ રહયાં હતાં. સરઘસમાં કેટલીક મહિલાઓની પણ હાજરી જોવા મળી રહી છે. વીડીયો વાઇરલ થયા બાદ અલીરાજપુર પોલીસ હરકતમાં આવી હતી અને ટોળામાંથી ચાર લોકોની ઓળખ કરી તેમની સામે ગુનો દાખલ કર્યો છે. અને તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. ટેમાચી ગામના લોકોના તાલીબાની કૃત્ય સામે રોષ જોવા મળી રહયો છે.