Connect Gujarat
ગુજરાત

CM રૂપાણીએ ઇઝરાયલમાં પ્રવાસનાં પ્રથમ દિવસે કરી વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત

CM રૂપાણીએ ઇઝરાયલમાં પ્રવાસનાં પ્રથમ દિવસે કરી વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત
X

૧૯૭૭થી મેકોરોટ કંપની દ્વારા ૨૫૦ મિલિયન ડોલરથી સ્થાપિત આ પ્લાન્ટ ઇઝરાયલનો સૌથી મોટો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ

ગુજરાત ૧,૬૦૦ કિ.મી.નો વ્યૂહાત્મક દરિયા કિનારો ધરાવે છે. શહેરોમાં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નેટવર્ક અને ડિસેલિનેશન પ્લાન્ટ્સ ઉભા કરવા માટે રાજ્ય સરકાર સક્રિય થઈ છે. અને કુદરતી જળ સ્રોતના કાર્યદક્ષ ઉપયોગથી વોટર સિક્યોરિટી માટે પ્રતિબદ્ધતા કેળવવાની દિશામાં કામ કરવા જઈ રહી છે. ત્યારે ઈઝરાયલના ઉપલબ્ધ જળ સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગના અનુભવ જ્ઞાન અને સહભાગિતાથી ગુજરાતમાં ૨૦૫૦ સુધી જળ સમસ્યા ન થાય તેવું આયોજન અને કામ કરવાનો નિશ્ચય કર્યો છે. જેને લઈ ઇઝરાયલમાં વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે નેશનલ લેવલે અગ્રેસર મેકોરોટના સંચાલકો-પદાધિકારીઓ સાથે વોટર મેનેજમેન્ટ ટેક્નોલોજિઝ વિષયક પરામર્શ કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના વડપણ હેઠળના ઉચ્ચસ્તરીય ગુજરાત પ્રતિનિધિ મંડળે ઇઝરાયલ પ્રવાસના પ્રથમ દિવસે શેફડેન સ્થિત ડેન રિજિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની નિરીક્ષણ-મુલાકાત લીધી હતી.

૧૯૭૭થી મેકોરોટ કંપની દ્વારા ૨૫૦ મિલિયન ડોલરથી સ્થાપિત આ પ્લાન્ટ ઇઝરાયલનો સૌથી મોટો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. તેની ક્ષમતા રોજના ૩ લાખ ૭૦ હજાર ઘન મીટર ૩૭૦ MLD શહેરી વેસ્ટ વોટર ટ્રીટ કરવાની છે.

મુખ્યમંત્રીએ આ પ્લાન્ટની મુલાકાત દરમિયાન કહ્યું કે, ગુજરાત અને ઇઝરાયલ બેઉ પ્રદેશો પાણીની સમાન સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ઇઝરાયલે નેચરલ વોટર, રિસાયકલ્ડ વોટર અને ડિસેલિનેશન વોટરથી પોતાની પાણી જરૂરિયાતો વ્યાપકપણે સંતોષી છે, તેના અનુભવ જ્ઞાન અને ગુજરાત અને ઇઝરાયલ વચ્ચે સહભાગિતાની તકો વિકસાવીને ગુજરાતમાં ૨૦૫૦ સુધી કોઇ જળ સમસ્યા ન થાય તેવું આયોજન અને કામ કરવું છે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત ૧૬૦૦ કિ.મી. લાંબો સમુદ્ર કિનારો ધરાવતું રાજ્ય છે. એટલું જ નહીં, જુદા જુદા શહેરોમાં સ્યૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નેટવર્ક પણ ગુજરાતમાં છે.

રાજ્યમાં સારા પ્રમાણમાં કુદરતી જળસ્રોત પણ છે. ત્યારે હવે આ જળ સંસાધનોનો કાર્યદક્ષ ઉપયોગ કરીને ગુજરાતને ૨૦૫૦ સુધી જળ સુરક્ષિત રાજ્ય બનાવવું એ સમયની માગ છે. આ સંદર્ભમાં વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પોલિસી લોન્ચ કરી છે. જોડીયા પાસે ૧૦૦ MLDનો ડિસેલિનેશન પ્લાન્ટ પણ કાર્યરત્ થવાનો છે. તે ઉપરાંત અન્ય ૧૦ ડિસેલિનેશન પ્લાન્ટ્સ રાજ્યના દરિયા કિનારે શરૂ કરીને સમુદ્રી વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં જળ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં ઇઝરાયલ-ગુજરાતના સહભાગી પ્રયાસો ફળદાયી બનશે.

Next Story