Top
Connect Gujarat

કોંગ્રેસનું સ્લોગન અલ્યા હવે તો સુધરો ભલે ટ્રેન્ડ થયું પણ ખુદ કોંગ્રેસ જ ન સુધરી આખરે ઘરે બેઠી

કોંગ્રેસનું સ્લોગન અલ્યા હવે તો સુધરો ભલે ટ્રેન્ડ થયું પણ ખુદ કોંગ્રેસ જ ન સુધરી આખરે ઘરે બેઠી
X

ગુજરાતની પ્રજાએ 2015 અને 2017માં કોંગ્રેસ તરફી ભરપુર મતદાન કર્યું હતું પણ સત્તા મળ્યાં બાદ કોંગ્રેસ તેને પચાવી નહિ શકતાં ચાલુ વર્ષે યોજાયેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીમાં કોંગ્રેસના ભુંડા હાલ થયાં છે.

ગુજરાતને ભાજપનો ગઢ ગણવામાં આવે છે. ભાજપના ગઢમાં જનતાએ 2015માં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી તથા 2017ની વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ તરફી મતદાન કર્યું હતું. 2015માં રાજયભરમાં પાટીદાર અનામત આંદોલન ચાલ્યું હતું અને તેમાં ભાજપ વિરૂધ્ધનું વાતાવરણ ઉભું થઇ ગયું હતું. આ વર્ષમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીમાં કોંગ્રેસે સપાટો બોલાવી દીધો હતો. રાજકારણમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી ખુબ મહત્વની હોય છે અને તેના આધારે જ વિધાનસભા અને લોકસભાની ચુંટણીનો પાયો નંખાતો હોય છે.

ગુજરાતની જનતાએ 23 જિલ્લા પંચાયતો અને 151 તાલુકા પંચાયતોમાં કોંગ્રેસને સત્તા સોંપી હતી. બે વર્ષ પછી આવેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 77 બેઠકો મેળવી હતી. લોકોને આશા હતી કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સારૂ શાસન મળશે અને વિધાનસભામાં કોંગ્રેસ મજબુત વિપક્ષ બનશે. સત્તા મળતાંની સાથે કોંગ્રેસના નેતાઓ સાતમા આસમાને વિહરવા લાગ્યાં હતાં અને પાંચ વર્ષમાં મતદારો સાથેનો જમીની સંપર્ક ગુમાવી દીધો હતો.

ચાલુ વર્ષે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી આવતાં સુધીમાં કોંગ્રેસની સ્થિતિ ખુબ બદલાય ચુકી હતી. તેના 12 ધારાસભ્યો પક્ષપલટો કરી ભાજપમાં જોડાય ગયાં છે. હાલ કોંગ્રેસના વિધાનસભામાં માત્ર 65 ધારાસભ્યો બચ્યાં છે. વારંવાર તક આપવા છતાં કોંગ્રેસ કદી નહિ સુધરે એવી છાપ કોંગ્રેસના નેતાઓએ લોકોમાં ઉભી કરી દીધી હતી. અને તેનું પરિણામ તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીમાં જોવા મળી છે.બીજી તરફ ભાજપે 2015નો બદલો લેવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. ગૃહમંત્રી અમિત શાહે મોરચો સંભાળ્યો હતો. ચુંટણીઓ પહેલાં ભાજપે પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલની વરણી કરી હતી અને સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં ટીકીટ ફાળવણીના મુદ્દે અસરકારક નિર્ણયો લેવાયાં હતાં જેના કારણે લોકોમાં ભાજપની છબી મજબુત બની હતી.

ભાજપથી રીસાયેલા પાટીદારો ભાજપમાં પાછા ફર્યા જયારે આદિવાસીઓએ પણ ભાજપ પર વિશ્વાસ મુકયો હતો. ભાજપે આદિવાસી વિસ્તારોમાં મજબુત પકડ ધરાવતાં બીટીપીનો એકડો કાઢી નાંખ્યો છે. સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ પહેલાં કોંગ્રેસનું મીમ અલ્યા હવે તો સુધરો બહુ ટ્રેન્ડ થયું હતું પણ કોંગ્રેસની નેતાગીરીએ હવે સુધરવાની જરૂર છે. કોંગ્રેસ પાસે મતદારોને આર્કષી શકે તેવા નેતાઓનો અભાવ છે. ચુંટણીઓ સમયે રણનિતિ ઘડી શકે તેવા રણનિતિકારો હવે કોંગ્રેસ પાસે રહયાં નથી. કોંગ્રેસના ચુંટાયેલા પ્રતિનિધિઓ કયારે પક્ષ પલટો કરી દે તે કોઇ કહી શકતું નથી. ગુજરાતના મતદારોનો વિશ્વાસ ફરીથી જીતવા માટે કોંગ્રેસે નવી રણનિતિ સાથે મેદાનમાં આવવું પડશે.

Next Story
Share it