Connect Gujarat
ગુજરાત

વડોદરાના હેલ્થકેર કર્મચારીઓ પરિચિત બન્યા વેન્ટિલેટરથી : ડો.રાકેશ

વડોદરાના હેલ્થકેર કર્મચારીઓ પરિચિત બન્યા વેન્ટિલેટરથી : ડો.રાકેશ
X

વડોદરા શહેરના ખાનગી દવાખાનાઓ રાજ્ય આરોગ્ય સેવાની માનવ સંપદાને વેન્ટિલેટર કેર તાલીમ આપવા માટે વેન્ટિલેટર અને તાલીમ માટે જરૂરી સાધન સામગ્રી વિનામૂલ્યે પૂરી પાડી: ખાનગી દવાખાનાઓના તજજ્ઞ તબીબોએ તાલીમની સેવાઓ આપી.

કોરોના સંકટને લીધે સરકારી આરોગ્ય સેવાઓ અને ખાનગી આરોગ્ય સેવાઓ વચ્ચે સંકલનનો સેતુ મજબૂત બન્યો છે અને સાથી હાથ બઢાનાની ભાવના સાથે લોકોની જીવન રક્ષા માટે સહુ યોગદાન આપી રહ્યા છે.કોરોના પીડિતોમાં જ્યારે ન્યૂમોનિયાનો પ્રભાવ જોવા મળે છે ત્યારે ઘણાં કિસ્સામાં જીવન રક્ષા માટે વેન્ટિલેટર કેર જરૂરી બને છે.તેને અનુલક્ષીને વડોદરામાં રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થાન ખાતે તથા વડોદરા અને ગોત્રી મેડિકલ કોલેજ ખાતે યોજવામાં આવેલા વેન્ટિલેટર કેર તાલીમ કાર્યક્રમ હેઠળ વડોદરા સહિત મધ્ય ગુજરાતના 4 જિલ્લાઓના 1600 જેટલા સરકારી સેવાઓના હેલ્થ કેર સ્ટાફને તાલીમબદ્ધ કરવામાં આવ્યો.

સ્ટર્લિંગ હોસ્પિટલ સાથે સંકળાયેલા મુખ્ય ડો.રાકેશ એ જણાવ્યું કે વેન્ટિલેટર કેરની આ તાલીમમાં જેમણે જીવનમાં કદી વેન્ટિલેટર જોયું જ ન હતું એવા હેલ્થ કેર પરસોનેલ તેને ચલાવતા શીખ્યા છે. કૉવિડ 19 ના આગળના સ્ટેજમાં વેન્ટિલેટર કેર નિર્ણાયક બને છે એટલે જિલ્લા હોસ્પિટલોમાં કામ કરનારાઓ માટે આ તાલીમ ખૂબ ઉપયોગી નીવડશે.

લુણાવાડાના સરકારી દવાખાનામાં તબીબી અધિકારી તરીકે કાર્યરત ડો.બી.આર.પંચાલે જણાવ્યું કે ક્યારેય વેન્ટિલેટર ચલાવ્યું ન હતું એટલે ઘણી મુંઝવણો અને સવાલો હતા. ડો.રાકેશ અને એમની ટીમે આપેલી પ્રેકટીકલ અને થિયરી તાલીમથી વેન્ટિલેટર ચાલુ કરવાથી લઇ દર્દીને તેના હેઠળ મૂકવા,મોનીટર કરવાનો ડર દૂર થયો છે.આ આધુનિક સાધન દ્વારા દર્દીની સારવાર કરી એનો જીવ બચાવવાનો આત્મ વિશ્વાસ કેળવાયો છે.વેન્ટિલેટર અંગે મનમાં ઘર કરી ગયેલી ઘણી બધી ગેર માન્યતાઓનું નિવારણ થયું છે.

શહેરની સ્ટર્લિંગ, રીધમ અને સ્પંદન હોસ્પિટલોએ આ તાલીમ માટે વેન્ટિલેટર અને જરૂરી સાધન સામગ્રી 10 દિવસ માટે ઉપલબ્ધ કરાવ્યા હતા .વિવિધ હોસ્પિટલોના ડો.રિતેશ, ડો.અંકુર ભાવસાર, ડો.રવિરાજ સિંહ, ડો.પ્રભાવ, ડૉ.રીના, ડો.અમીષા અને ડો.જયેશ તેમજ સયાજી અને ગોત્રી હોસ્પિટલના એનેસ્થેસિયા તજજ્ઞો એ તાલીમની સેવાઓ આપી હતી.

Next Story
Share it