Connect Gujarat
Featured

રિલાયન્સ જીઓના ટાવરને નુક્શાન બદલ કેન્દ્ર અને રાજ્ય સરકારને કોર્ટની નોટિસ

રિલાયન્સ જીઓના ટાવરને નુક્શાન બદલ કેન્દ્ર અને રાજ્ય સરકારને કોર્ટની નોટિસ
X

રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડે ટેલિકોમ ટાવરને કેટલાક ટીખળખોરો દ્વારા કરવામાં આવેલા નુકાસન સામે રાજ્ય સરકારને નિર્દેશ આપવા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ કરેલી અરજીના કેસમાં મંગળવારે કોર્ટે પંજાબ સરકાર તેમજ કેન્દ્રને નોટિસ ફટકારી છે. દિલ્હી સરહદ પર ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનને પગલે પંજાબમાં 1,500 જેટલા મોબાઈલ ટાવરને નુકસાન કરવામાં આવ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પેટા કંપની રિલાયન્સ જિયોએ સોમવારે એક અરજીમાં જણાવ્યું હતું કે, કેટલાક સ્થાપિત હિતો એવી ખોટી અફવાહો ફેલાવી રહ્યા છે કે રિલાયન્સ જૂથ કોર્પોરેટ અથવા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યું છે.

રિલાયન્સ જિયોના વકીલ આશિષ મિત્તલે જણાવ્યું હતું કે, જસ્ટિસ સુધીર મિત્તલે આ કેસમાં 8 ફેબ્રુઆરી સુધીમાં જવાબ આપવા નોટિસ આપી છે. રિલાયન્સ જિયોએ પંજાબના મુખ્ય સચિવ વતી પંજાબ સરકાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલય, ટેલિકોમ વિભાગ અને પંજાબના ડીજીપીને પ્રતિવાદી બનાવ્યા છે.

કેટલાક સ્થાપિત હિતો તેમજ અસામાજિક તત્વો દ્વારા આ પ્રકારનું સુનિયોજિત કાવતરું રચાયું છે કે કેમ તેની તપાસ કરવાની પણ માગ કરી છે. રિલાયન્સ જિયોએ પોતાની અરજીમાં રાજ્ય સરકારને આ મામલે સ્પષ્ટ નિર્દેશ આપવા પણ જણાવ્યું છે. સિવિલ પિટિશનમાં રિલાયન્સ જિયોએ વધુમાં જણાવ્યું કે, વિતેલા કેટલાક સપ્તાહમાં તેના 1,500 જેટલા ટાવરને નુકસાન કરાયું અથવા નિષ્ક્રિય કરાયા છે જેથી પંજાબમાં કંપનીનું મોબાઈલ નેટવર્ક પ્રભાવિત થયું છે. કેટલાક સ્થળે રિલાયન્સ જિયોના સ્ટોર્સને પણ બળજબરી બંધ કરાવવામાં આવ્યા છે.

આમ કંપનીના ગ્રાહકોને અન્ય નેટવર્કનો ઉપયોગ કરવા દબાણ કરાયું હોવાનું તેમજ કર્મચારીઓને જીવ ગુમાવવાની ધમકી આપીને સેવા પુરી પાડતા અટકાવવાની ફરજ પાડવામાં આવી હોવાનું અરજદારે અરજીમાં જણાવ્યું હતું.

રિલાયન્સે એક નિવેદનમાં સ્પષ્ટતા કરી હતી કે કેન્દ્ર સરકારે પસાર કરેલા ત્રણ કૃષિ કાયદાથી તેમને કોઈ જ લેવાદેવા નથી. કંપનીએ પોતાની અરજીમાં પંજાબ જાહેર અને ખાનગી સંપત્તિ નુકસાન નિવારણ અધિનિયમ હેઠળ એક સમિતિ રચીને નુકસાનનું આકલન મેળવવા પણ જણાવ્યું છે.

Next Story