Connect Gujarat
Featured

દાદરા- નગરહવેલીના સાંસદ મોહન ડેલકરનો આપઘાત, જુઓ આપઘાત માટે કોણ જવાબદાર

દાદરા- નગરહવેલીના સાંસદ મોહન ડેલકરનો આપઘાત, જુઓ આપઘાત માટે કોણ જવાબદાર
X

સંઘ પ્રદેશ દાદરા -નગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરે મુંબઇની હોટલના રૂમમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. દાદરા- નગર હવેલીના સ્થાનિક પ્રશાસન તરફથી થતી અવગણનાના કારણે તેઓ તણાવમાં રહેતાં હતાં અને આખરે આંત્યિક પગલું ભર્યું હોવાનું તેમના મિડીયા પ્રવકતાએ જણાવ્યું છે.

સતત સાત ટર્મ સુધી સાંસદ રહેલાં મોહન ડેલકરે ઓચિંતો આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. દાદરા અને નગરહવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરે મુંબઇની એક હોટલમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. તેમના રૂમમાંથી ગુજરાતીમાં લખેલી છ પાનની સ્યુસાઇડ નોટ મળી આવી છે. મૃતક મોહન ડેલકરના મિડીયા પ્રવકતા દિપક પટેલના જણાવ્યા મુજબ મોહન ડેલકર પોતે સાંસદ હોવા છતાં પણ સરકારી કાર્યક્રમોમાં તેમને પ્રાધાન્ય આપવામાં આવતુ ન હતું અને સતત અવગણના અને તિરસ્કાર ભર્યુ વલણ અપનાવામાં આવતું હતું. આ મુદે તેમણે ગૃહમંત્રી અમિત શાહ અને લોકસભાના સ્પીકર ઓમ બિરલાને પણ લેખિતમાં રજૂઆત કરી હતી.

બીજી તરફ સ્થાનિક પ્રશાસન દ્વારા તેમના કાર્યકરો અને સમર્થકોની સામે પણ દ્વેષ ભાવના રાખીને પોલીસ કેસ કરાવ્યાં હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.મોહન ડેલકરની વાત કરવામાં આવે તો તેમનો જન્મ 1962માં થયો હતો. ડેલકરે સેલવાસમાં ટ્રેડ યુનિયનના નેતા તરીકે પોતાના રાજકીય કરિયરની શરૂઆત કરી હતી. તે અલગ-અલગ ફેક્ટરીમાં કામ કરતા આદિવાસી લોકોના હક માટે લડતા હતા. ત્યાર બાદ 1995માં તેમણે આદિવાસી વિકાસ સંગઠન શરૂ કર્યું અને 1989માં તેઓ દાદરા નગર હવેલી મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે નવમી લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને તેઓ સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યાર બાદ 1991 અને 1996માં પણ તેઓ આ જ મતવિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા હતાં. ઘટનાની જાણ થતાં તેમના પુત્ર સહિતનો પરિવાર મુંબઇ ખાતે પહોંચી ગયો છે.

Next Story