Connect Gujarat
Featured

દાદરા-નગરહવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરનો મુંબઇની હોટલમાં આપઘાત

દાદરા-નગરહવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરનો મુંબઇની હોટલમાં આપઘાત
X

સંઘપ્રદેશ દાદરા- નગરહવેલીના અપક્ષ સાંસદ અને રાજકારણમાં મોટુ નામ ધરાવતાં મોહન ડેલકરનો મૃતદેહ મુંબઇની સી ગ્રીન મરીન હોટલના રૂમમાંથી મળી આવ્યો છે. તેમના મૃતદેહની પાસેથી ગુજરાતી ભાષામાં લખાયેલી અંતિમ ચિઠ્ઠી મળી આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનો જંગ જામ્યો છે તેવામાં રાજકારણમાંથી એક દુખદ સમાચાર સામે આવ્યાં છે. દાદરા- નગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરે આપઘાત કરી ફાની દુનિયાને અલવિદા કહી દીધી છે. મુંબઇના પોશ વિસ્તારમાં આવેલી સી ગ્રીન મરીન હોટલના એક રૂમમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. તેમણે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાની તથા તેમના મૃતદેહ પાસેથી ગુજરાતીમાં લખેલી અંતિમચિઠ્ઠી મળી આવી છે.

હાલ તો મુંબઇ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને ઘટના અંગે ગુજરાત પોલીસને પણ જાણ કરવામાં આવી છે. મોહન ડેલકરની વાત કરવામાં આવે તો તેમણે ટ્રેડ યુનિયનના નેતા તરીકે જાહેર જીવનમાં પદાર્પણ કર્યું હતું. તેઓ 1989માં પ્રથમ વખત સાંસદ બની લોકસભામાં પહોંચ્યાં હતાં. તેમની રાજકીય કારકિર્દી દરમિયાન ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષો સાથે કામ કરી ચુકયાં છે. 2019માં તેમણે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી. તેઓ ત્રણ વખત લોકસભાના સાંસદ રહી ચુકયાં છે. મોહન ડેલકર કયારે મુંબઇ ગયાં હતાં અને તેમની અંતિમચિઠ્ઠીમાં શું લખ્યું છે તેની વિગતો હજી સુધી બહાર આવી શકી નથી. મોહન ડેલકરે ભારતીય નવશકિત પાર્ટી ( બીએનપી)ના નામથી પોતાની અલગ પાર્ટી પર બનાવી હતી. હાલ તો પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Next Story