Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ દહેજ-ઘોઘા રોરો ફેરીનું મુસાફરો સાથેનું જહાજ મધદરિયે ખોટકાયું

ભરૂચઃ દહેજ-ઘોઘા રોરો ફેરીનું મુસાફરો સાથેનું જહાજ મધદરિયે ખોટકાયું
X

મુસાફરો અને વાહનો ભરેલું જહાજ ટેક્નિકલ ખામીનાં કારણે મધ દરિયે ખોટકાયું હતું.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતી ઘોઘા-દહેજ વચ્ચેની રો રો ફેરી સર્વિસ ઘણાં બધાં અવરોધો વચ્ચે ગત તારીખ 22 ઓક્ટોબરથી મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે ફરી શરૂ કરવામાં આવી છે. આજરોજ ફરીથી આ રોરો ફેરી ચર્ચામાં આવી છે. રો રો ફેરીનું જહાજ આજે મધદરિયે બંધ પડ્યું હતું. પેસેન્જર અને વાહનો ભરેલું જહાજ ટેકનિકલ ક્ષતિના કારણે બંધ પડી જતાં તેમાં સવાર 461 મુસાફરોનાં જીવ તાળવે ચોંટ્યા હતા. આ જહાજમાં સવાર તમામ પેસેન્જર અને 95 વાહનો સલામત સ્થળે ખસેડાયા છે. તમામનો આબાદ બચાવ થતા તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. જહાજને ટોઇંગ કરી દરિયાકાંઠે લાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગત વર્ષે દહેજ-ઘોઘા વચ્ચે પેસેન્જર રોરો ફેરીની શરૂઆત કરવામાં આવી હતી. બાદમાં આ ફેરીમાં પેસેન્જર સાથે વાહનો અને માલવાહક ભારદારી વાહનો પણ લઈ જઈ શકાય તે માટે નવા શીપને સામેલ કરવામાં આવ્યું છે. વર્ષ 2015માં કોરિયા ખાતે 4000 ટનનું બનેલું વોયેજ સીમ્ફોની નામનું જહાજ પેસેન્જર અને વાહનો સાથે લઈ જઈ શકાય તે માટે રો રો ફેરી સર્વિસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે સામેલ કરવામાં આવ્યું હતું.

આ જહાજ માં 60 જેટલી ટ્રકસ, 35 બસ સાથે 525 જેટલા પેસેન્જરો દિવસમાં ત્રણ વખત દહેજથી ઘોઘા અને ઘોઘાથી દહેજ આવજા કરી શકશે .ભાવનગરથી દહેજ વચ્ચે બાય રોડનું અંતર 6 કલાકથી પણ વધુ છે. પરંતુ દરિયાઈ માર્ગે આ અંતર અને સમય ઘણો જ ઘટી જાય છે. રો રો ફેરીમાં ટ્રક, બસ, મોટર, કાર, બાઈક જશે. રો રો ફેરીમાં ગુડઝની સાથોસાથે પ્રવાસીઓ માટે ત્રણ પ્રકારે કલાસ રાખવામાં આવ્યા છે. જેમાં બિઝનેસ કલાસ,એક્ઝિક્યૂટિવ કલાસ, ઇકોનોમિ કલાસનો સમાવેશ થાય છે. ઘોઘાથી દહેજ વચ્ચેનું 32 નોટીમાઈલનું અંતર આ જહાજ માત્ર એક કલાકમાં જ પૂરૂ કરશે જેને કારણે સમય અને નાણાનો બચાવ થશે. આજરોજ આ જહાજ ટેકનિકલ ખામીને કારણે ઘોઘા બંદરથી 3 નોટિકલ માઈલ દૂર ખોટકાયું હતું.

Next Story