Connect Gujarat
Featured

ખેડા : હોળી પર્વે “ડાકોરના ઠાકોર”ની મંગળા આરતી, લાખો ભક્તો દર્શને ઉમટ્યા

ખેડા : હોળી પર્વે “ડાકોરના ઠાકોર”ની મંગળા આરતી, લાખો ભક્તો દર્શને ઉમટ્યા
X

આજે હોળી પૂનમની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે મંગળા આરતીના દર્શન કરવા લાખો ભક્તો વહેલી સવારથી જ ડાકોરના રસ્તાઓ ઉપર કતારમાં ઉભા રહ્યા હતા અને વહેલી સવારે ચાર કલાકે મંદિરના દરવાજા ખુલતાની સાથે ભવ્ય મંગળા આરતીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આજે દિવસભર રંગોની છોળો વચ્ચે ભગવાન સોનાની પીચકારીથી ભક્તો સાથે હોળી રમશે અને ભક્તો પણ દિવસભર ભગવાન રણછોડ સાથે હોળી મનાવશે.

ડાકોરના ઠાકોરના દર્શન કરવા અગિયારસના દિવસે નીકળેલા લાખો ભક્તો ગઈકાલ રાત્રે ડાકોરનગરમાં પદયાત્રા કરીને પહોચ્યા હતા. રાત્રી દરમિયાન ભક્તો સંઘો અને ભજન મંડળીઓએ ડાકોરનગરના રસ્તાઓ પર, ગોમતી ઘાટે અને મંદિરની બહાર ભજનની રમઝટ બોલાવી હતી. અને વહેલી સવારની પ્રતીક્ષા કરી હતી. વહેલી સવારે ચાર કલાકે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભગવાન રણછોડજીની ભવ્ય મંગળા આરતી થઇ હતી. આ મંગળા આરતીની હોળી પૂનમના મુખ્ય દર્શન માનવામાં આવે છે. જેથી લાખો ભક્તોએ જય રણછોડના જય ઘોસ સાથે ભગવાન રણછોડના દર્શન કરી પોતાની માનતા પૂરી કરી હતી. પદયાત્રી, ભજન મંડળીઓ અને સંઘો દ્વારા રણછોડજી મંદિર ઉપર ધજા ચઢાવી ધન્યતા અનુભવી હતી ત્યારે લાખો ભક્તોના ગગનભેદી જય ઘોસથી ડાકોર ગુંજી ઉઠ્યું હતું.

ડાકોરના ઠાકોરની વહેલી સવારે ચાર વાગે ભવ્ય મંગળા આરતીના દર્શન કરવા આજ મહીને નિવૃત્ત થનાર રેંજ આઈજી અનીલ જાડેજા, જીલ્લા કલેકટર આઈ કે પટેલ અને જીલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્ર પોતાના પરિવાર સાથે આવ્યા હતા અને પરંપરાગત રીતે ડાકોર મંદિરમાં ધજાની પૂજા અર્ચના કરી એક ધજા વહીવટીતંત્રની અને એક જીલ્લા પોલીસ તંત્ર તરફથી ચઢાવવામાં આવી હતી. વર્ષોથી ચાલી આવતી આ બે ધજા આજે પણ નિભાવવામાં આવી હતી લોકોની સુખાકારી અને શાંતિ માટે આ ધજા વર્ષોથી ચઢાવવામાં આવે છે. રેંજ આઈજી આજ માસના અંતમાં નિવૃત થવાના છે અગાઉ બે વખત ધજા ચઢાવવાનો લાભ લઇ ચુક્યા છે અને નિવૃત્તિના અંતમાં તેમની ધજા ચઢાવવાની આશા ભગવાન રણછોડે પૂરી કરતા તેઓ ભાવુક થઇ ગયા હતા.

Next Story