Connect Gujarat
Featured

ડાંગ : આફતને અવસરમાં પલટાવતો આંતરરાષ્ટ્રીય દોડવીર, એશિયન ગેમ્સમાં મેડલ સહિત રૂ. ૩૦ લાખથી વધુની રાશી મેળવી

ડાંગ : આફતને અવસરમાં પલટાવતો આંતરરાષ્ટ્રીય દોડવીર, એશિયન ગેમ્સમાં મેડલ સહિત રૂ. ૩૦ લાખથી વધુની રાશી મેળવી
X

“કોરોના”ના કહેર વચ્ચે માનસિક આઘાત અને હતાશાના માહોલમા કઈ કેટલાયે લોકો તનાવનો શિકાર થઇ રહ્યા છે ત્યારે, વિપદની આ વેળાને અવસરમાં પલટીને સ્વર્ણ ભવિષ્ય માટે માનસિક અને શારીરિક સજ્જતા કેળવતા કેટલાક વિરલાઓ પણ, આપણી આસપાસ નજર કરતા મળી આવે છે.

ડાંગ જિલ્લાના આવા જ એક અનમોલ રતન એવા આંતરરાષ્ટ્રીય દોડવીર મુરલી ગાવિતે પણ, “કોરોના” કાળને પગલે સર્જાયેલી “લોકડાઉન”ની સ્થિતિમાં પોતાના વતનમાં આવીને ભવિષ્યની કોમ્પિટીશન માટે પોતાની કાયાને કસીને માનસિક અને શારીરિક સજ્જતા કેળવવા સાથે અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડી છે.

ગત તા. 5મી જુને નૈરોબી (કેન્યા)થી મુંબઈ આવીને 7 દિવસ મુંબઈ ખાતે, ત્યાંથી વલસાડ આવી બીજા 7 દિવસ સરકારી કવોરોન્ટાઈનમાં રહી, તેના વતન ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના કુમારબંધ ખાતે મુરલી ગાવિત બીજા 7 દિવસ તેના ઘરે કવોરોન્ટાઈનમાં રહીને 19 જુનથી તેની કાયાને કસી રહ્યો છે. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના શક્તીદુત પ્લેયર એવા આ દોડવીર રોજનું 25થી 30 કિલોમીટર જેટલું નિયમિત રનીંગ કરીને આગામી ટુર્નામેન્ટ માટે તૈયાર થઇ રહ્યો છે.

મુરલી ગાવિતે જણાવ્યુ હતું કે, “દુનિયામાં આજે ચારે તરફ હતાશા અને નિરાશાનો માહોલ પ્રવર્તી રહ્યો છે, ત્યારે કઇક હકારાત્મક કરવાનો વિચાર મનમાં આવી રહ્યો હતો. “લોકડાઉન”ને કારણે બીજું કઈ કરી શકાય તેમ પણ નથી ત્યારે, પોતાને ફીટ કરવાથી બહેતર બીજો કોઈ વિકલ્પ નથી તેમ વિચારી ગામમાં હું આ તૈયારી કરી રહ્યો છુ.” આંતરરાષ્ટ્રીય કોચ હ્યુગો વન દે બ્રોકન અને ભારતીય કોચ મોહન મોર્યાના ઓનલાઈન માર્ગદર્શન હેઠળ ડાંગના ડુંગરાઓ ખુંદતા આ યુવાને આજદિન સુધી એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ સાથે 3 જેટલા આંતરરાષ્ટ્રીય પારિતોષિકો ભારતના નામે કરીને રૂપિયા 30 લાખથી વધુની રાશી મેળવી “ડાંગ એક્સપ્રેસ”નું બિરુદ મેળવ્યું છે.

5 અને 10 કિલોમીટરની લાંબી દોડમાં ભાગ લઇ રહેલો આ યુવાન આગામી દિવસોમાં 21 અને 42 કિલોમીટરની મેરેથોનમાં ભાગ લેવા સાથે, આદિવાસી પ્રદેશના યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરી શકાય તે માટે ભવિષ્યમાં અકાદમી સ્થાપવા જેવા ઉચ્ચ લક્ષ સાથે આગળ વધી રહ્યો છે.

“લોકડાઉન”ના આ સમયગાળા દરમિયાન આ ખેલાડીનો તમામ રખરખાવનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવી રહી છે. ભારત સરકારના “વંદે ભારત મિશન” અંતર્ગત સ્પેશ્યલ ફલાઈટમા સ્વદેશ આવેલા મુરલી ગાવિતે ટોક્યો ઓલોમ્પિક, એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ માટેનું લક્ષ નિર્ધાર કર્યું છે. ડાંગનો આ યુવાન તેની નજર સામે 5 કિલોમીટરની સ્પર્ધા માટેનો વર્લ્ડ બેસ્ટ ટાઈમ 13:29 મિનિટ અને 10 કિલોમીટર માટેનો 28:02 મિનિટનો ટાઈમિંગ સેટ કરીને ડાંગના ડુંગરાઓ ખુંદી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, મુરલી ગાવિતનો બેસ્ટ ટાઈમ 5 કિલોમીટરની રેસમાં 13:48 અને 10 કિલોમીટરની રેસમાં 28:38 છે. તે ભારતના ટોપ 3 બેસ્ટ લોંગ ડીસ્ટન્સ રનરમાં સ્થાન ધરાવે છે. “લોકડાઉન” અને “અનલોક”ના સમય બાદ તે ફરીથી તેના સ્પોર્ટ્સ હોસ્ટેલ-ભોપાલ ખાતે આગામી ઇવેન્ટ સુધી વધુ પ્રેક્ટીસ કરશે, ત્યાં સુધી તેના 12 સભ્યોના મોટા પરિવાર સાથે ક્વોલીટી ટાઈમ વિતાવવાની મળેલી તક સાથે, તેની કાયાને કસવાનો ઉત્તમ અવસર મળી રહ્યો છે, તેમ તેણે વધુમાં જણાવ્યું છે.

“કોરોના”થી બચવા માટે દો ગજ કી દુરી સહિત માસ્ક અને સેનેટાઈઝરના ઉપયોગ સાથે આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ અનુસાર યોગ્ય પગલાઓ લેવાની હિમાયત પણ મુરલી ગાવિતે કરી છે.

Next Story